કોડીનાર, તા.ર૦
કોમી એકતાના શહેર તરીકે મશહુર કોડીનાર શહેરમાં સ્વામીનારાયણ સત્સંગ સમાજ કોડીનાર દ્વારા શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કોડીનાર લોહાણા મહાજન વાડીમાં યોજાયેલા આ શાકોત્સવમાં સાંજે ૪થી ૬ કલાકે સંતોની સત્સંગ સભા બાદ નિર્ભય સ્વામીએ પ્રેરણાત્મક ઉદ્‌બોધન કર્યા બાદ સાંજે ૭ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ તકે કોડીનારના મુસ્લિમ અગ્રણીઓ ન.પા.પ્રમુખ હાજી રફીક જુણેજા, ઈકબાલ મદુલાઈ, હાજી યુનુસ કેરીવાળા, બશીર શેખ, જીશાનભાઈ નકવી સહિતના કથામાં હાજર રહેતા નિર્ભય સ્વામીએ તમામ મુસ્લિમ અગ્રણીઓને પ્રસાદરૂપે ફુલહાર કરી સન્માન કર્યું હતું. આ તકે મુસ્લિમ અગ્રણી ઈકબાલ મદુલાઈ દ્વારા કોડીનારમાં સ્વામીનારાયણ પણના મંદિર નિર્માણમાં યથાશક્તિ ફાળો આપવા અને જ્યાં જરૂર પડે ત્યાં મુસ્લિમ સમાજ ખડેપગે રહેશે. હોવાનું જણાવતા ભક્તજનોએ મુસ્લિમ સમાજની અપીલને તાળીઓ વડે વધાવી હતી. આ શાકોત્સવમાં અમરાપુર નિવાસી વિરડીવાળા ભક્ત નટુબાપા કાનાબાર, સાસણ મંદિરની પ્રમોદભાઈ કાના બાર અને બગસરા મંદિરના સંતો ખાસ હાજર રહ્યા હતા. કોમી એકતાના માહોલ વચ્ચે યોજાયેલા શાકોત્સવમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ પોપટ, લાલાભાઈ નગદીયા, કુલદીપભાઈ પાઠક સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.