કોડીનાર, તા.૭
ગીર સોમનાથના કોડીનારમાં કોરોનાએ આજે વધુ એક મહિલાનો ભોગ લેતા કોડીનાર જેવા નાના શહેરમાં ફક્ત ત્રણ દિવસમાં જ કોરોના એ ત્રીજા વ્યકિતનો ભોગ લેતાં લોકોમાં ભારે કચવાટ સાથે ભયની લાગણી ફેલાઇ છે. આ અંગેની વિગત મુજબ ગત તા. ૪ના રોજ કોડીનારના મારૂતિનગરમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ સિદ્ધપુરા (ઉ.વ.૫૨)ને કોરોના પોઝિટિવ આવતા તેમને વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા બાદ આજે સવારે સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. કોડીનારમાં આ પહેલા ગત રવિવારે ફાતિમાબેન શેખ અને કમરૂદિનભાઈ લાલાણીનું પણ કોરોનાથી મૃત્યુ થયું હોય નાના એવા કોડીનાર શહેરમાં ૩ દિવસમાં જ કોરોનાએ ૩ વ્યક્તિઓનો ભોગ લેતાં કોરોનાના કારણે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારની પરિસ્થિતિ સૌથી વિકટ બની છે. જ્યારે આજે તાલુકાના માઢવાડ ગામની મહિલા કડવીબેન ધનજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૫)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોડીનાર તાલુકામાં ટોટલ ૧૭ કોરોના કેસ નોંધાયા છે, જેમાં હાલ ૪ કેસ એક્ટીવ અને ત્રણ કેસમાં મૃત્યુ થયાં છે, જ્યારે ૧૦ દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પરત ફર્યા હતા.

કોડીનારમાં વધતા કોરોના કેસ વચ્ચે તાલુકામાં ૮ જગ્યાએ કોરોના ટેસ્ટીંગ શરૂ કરાયા

કોડીનાર તાલુકામાં સતત વધી રહેલા કોરોના કેસની વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા હવે તાલુકામાં કુલ ૮ જગ્યાએ કોરોના ટેસ્ટીંગ શરૂ કર્યું છે. આ પેહલા કોડીનારમાં ફક્ત કોડીનાર સામૂહિક કેન્દ્રમાં જ કોરોના ટેસ્ટીંગ થતું હતું, પરંતુ વધતા જતા કેસને ધ્યાને રાખી તાલુકામાં આવેલ કોડીનાર અને ડોળાસા બે સામૂહિક કેન્દ્ર અને પણાદર, વેલણ, વિઠલપુર, સીધાંજ, ઘાંટવડ અને અરણેજ ગામે આવેલ ૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી સમગ્ર તાલુકામાં કુલ ૮ સ્થળોએ ૈંઝ્રસ્ઇ ટેસ્ટીંગ સ્ટેજીની ગાઈડલાઈન મુજબ સેમ્પલીંગ કરવામાં આવી રહ્યાનું તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું.