કોડીનાર,તા.૬
કોડીનાર શહેરમાં ઘર કામ કરવા જતી યુવતી ઉપર તેણીના શેઠે ૩ વર્ષ સુધી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી ગર્ભ રાખી આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પીડીત યુવતીએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ અંગે બુખારી મોહલ્લામાં રહેતી ૧૯ વર્ષીય યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ૩ વર્ષ પહેલાં આ યુવતી જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે કલીમ અશગર મહંમદ હુસેન નકવીના ઘરે ઘરકામ કરવા જતી હતી ત્યારે કલીમે તેની પત્નીની ગેરહાજરીમાં ર વખત શારીરિક છેડતી કર્યા બાદ ૩ વર્ષ પહેલાં તેની પત્ની અમદાવાદ જતાં આ પીડીત યુવતી તેના ઘરે બેડરૂમ સાફ કરી રહી હતી ત્યારે કલીમે બેડરૂમમાં આવી યુવતીને બેડ ઉપર ધક્કો મારી તેણીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહીશ તો તારા મા-બાપ અને ભાઈને મારી નાખવાની ધમકી આપી ૩ વર્ષ દરમિયાન અવારનવાર એકાંતરે દુષ્કર્મ આચરતો હોય ૬ મહિના પહેલાં યુવતીને ગર્ભ રહી જતા કલીમે બજારમાંથી ગોળી લાવી પીવડાવી ગર્ભ પાડી દીધો હતો. આ ઘટના બાદ યુવતીએ તેના પરિવારજનોને કલીમની કરતુતોની જાણ કરતા તેમણે કોડીનાર પોલીસ સ્ટેશનમાં કલીમ અશગર મહમદ હુસેન નકવી વિરૂદ્ધ ૩ વર્ષ દરમિયાન અવારનવાર મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેશમાં પોસ્કો અને બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોડીનારમાં બનેલી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બનવા સાથે ટોક ઓફ ધ ટાઉન બની છે.