(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.ર
કોડીનાર તાલુકામાં છેલ્લા પાંચ દિવસોથી વરસાદી માહોલની વચ્ચે ઝરમર વરસાદ વરસ્યા બાદ આજે છેલ્લા ર૪ કલાકમાં ૭ ઈંચ જેટલો વરસાદ વરસતા પાક નિષ્ફળ જવાની સ્થિતિ પલટાઈ જતા જગતના તાત ખેડૂતપુત્રોના ચ્હેરા ઉપર નવી ચમક આવવાની સાથે સામાન્ય લોકોમાં પણ હર્ષની લાગણી છવાઈ છે.
કોડીનારમાં ગઈકાલે સાંજે ૬ વાગે શરૂ થયેલ વરસાદ સાંજે ૬થી ૮ બે કલાકમાં ર ઈંચ ખાબક્યા બાદ રાત્રીના ૧૦થી સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૧ર કલાકમાં વધું પ ઈંચ વરસાદ ખાબકી છેલ્લા ર૪ કલાકમાં ૭ ઈંચ વરસાદ પડી જતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. કોડીનારમાં આજના ૭ ઈંચ વરસાદની સાથે મોસમનો કુલ વરસાદ પર૧ મીમી (ર૧) ઈંચ નોંધાયો છે.
જ્યારે કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન જામવાળા ગીરમાં આવેલ શિંગોડા ડેમમાં ર ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૪૯૭ મીમી (ર૦) ઈંચ નોંધાયો છે. તેમજ શિંગોડા ડેમમાં આજે ૩ ફૂટ નવા પાણીની આવક થતાં ટોટલ ૧૮.પ૦ મીટર ડેમની સપાટી ધરાવતા શિંગોડા ડેમની સપાટી ૧૧.ર૦ મીટરે પહોંચી છે.