(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.ર૦
કોડીનાર નગરપાલિકામાં સતત પાંચમી વખત ભાજપે પ્રચંડ બહુમતી સાથે શાસન મેળવતા શહેરના ગોદરા યાર્ડમાં ભાજપની ભવ્ય વિજયી સભા યોજાઈ હતી. કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં થયા હોવાથી ફેરમતદાનની માંગ કરતા કોંગ્રેસને આડે હાથે લઈ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ સભાને સંબોધતા કોંગ્રેસને ઓપન ચેલેન્જ કરી જો કોંગ્રેસ કોડીનાર વિધાનસભાનું ફેરમતદાન કરાવે તો અમે પાલિકાનંુ ફેરમતદાન કરવા તૈયાર છે. ધારાસભામાં અને પાલિકાની ચાર બેઠકોમાં કોંગ્રેસનું બગાસુ ખાતા પતાસુ મળ્યું હોવાનું અને કોંગ્રેસે પાલિકા ચૂંટણીમાં આવારા તત્ત્વોના સ્નેહીજનોને ટીકિટો આપી શહેરનું વાતાવરણ ડહોળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે ત્યારે કોડીનારની પ્રજાએ ભાજપમાં વિશ્વાસ મુકી મત આપ્યા છે. ત્યારે સમગ્ર શહેરના વિકાસ સાથે તેની સુરક્ષા કરવાની જવાબદારી પણ અમારી છે. આ ઉપરાંત દિનુભાઈ સોલંકીએ કોડીનારમાં આવી રહેલા અનેક પ્રોજેક્ટો વિશે માહિતી આપી કોડીનાર શિંગાડો નદી ઉપર ૩પ કરોડના ખર્ચે અદ્યતન રિવરફ્રન્ટ સહિતના અનેક પ્રોજેક્ટોનું આગામી દિવસોમાં નિર્માણકાર્ય શરૂ થશે. તેમજ આવનારા ૧૦ વર્ષોમાં કોડીનાર દિવ પિંક સિટી બની જશે તેવું દિનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
જ્યારે મુસ્લિમ અગ્રણી કાદરબાપુ દરબારે ભાજપના ચૂંટાયેલા સભ્યોને જણાવ્યું હતું કે શહેરની જનતાએ તમને સરતાજ બનાવ્યા હોય અને વિકાસના નામે મત આપ્યા છે ત્યારે વિકાસમાં અને લોકકાર્યોમાં કઈ કચાશ ન રહી જાય તેની ખાસ કાળજી રાખવાનું જણાવી કોંગ્રેસ મુસ્લિમોને ગુમરાહ કરી કોમી વૈમનસ્ય ફેલાવી રહી હોવાનું જણાવ્યું હતું.કોડીનાર ભાજપ દ્વારા યોજાયેલી વિજયીસભામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કોડીનાર નગરપાલિકા ચૂંટણીએ મુસ્લિમોના અંદરોઅંદરના મતભેદો દૂર કરવા અહમ ભૂમિકા નિભાવી
કોડીનાર, તા.ર૦
ગોંદરા યાર્ડ સભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ મુસ્લિમ સમાજ વિશે જણાવ્યું હતું કે અમે મુસ્લિમોમાં મુકેલા વિશ્વાસને મુસ્લિમોએ યથાર્થ ઠેરવી ૮ મુસ્લિમ સભ્યો ચૂંટીને મોકલ્યા છે. અમોએ મુસ્લિમોમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મતભેદોને દૂર કરવા અને તમામ ફીરકાઓને એક કરવા દરેક વોર્ડના પેનલમાં તમામ ફીરકાના ઉમેદવારો ઉભા રાખવાનું જોખમ ઉઠાવ્યું હતું તેમ છતાં મુસ્લિમ સમાજ તમામ વિવાદો ભૂલી એક પ્લેટફોર્મ પર આવી પેનલ ટુ પેનલ મતદાન કરી આપસી મતભેદ ભૂલી ગયા છે. કોડીનાર નગરપાલિકા ચૂંટણીએ મુસ્લિમના અંદરોઅંદરનો મતભેદો દૂર કરવાની અહમ ભૂમિકા નિભવતા ભારે ખુશી થઈ હોવાનું સોલંકીએ જણાવ્યું હતું.