કોડીનાર, તા.૧૪
કોડીનાર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ ફુલીફાલી છે. કોડીનારના પણોદર મઠ, મુળદ્વારકા, વેલણ, માઢવાડ, નગડલા, ઘાંટવડ, સુગાળા સહિતના ગામોમાંથી દેશી દારૂ બનાવવાના મીની કારખાના ચાલી રહ્યા છે. દારૂ પીને છાકટા બનેલા આવારા તત્ત્વોથી ભદ્ર સમાજ ખૂબ જ પરેશાન છે. કોડીનાર શહેરની જૂની બકાલા માર્કેટ, અજંટા સિનેમા રોડ, છારાઝાંપા વિસ્તાર નદીમાં રામાપીરના મંદિર પાસે દેશી દારૂના હાટડા મંડાય છે. જે તંત્રના નજરે પડતા નહીં હોય ? તેવા સવાલો લોકોના મનમાં ધોળાય છે.
કેન્દ્રશાસિત દીવના દરિયાઈ વિસ્તારમાંથી અહીંના કોટડા બંદર, માઢવાડ બંદર, છારા બંદર અને પણોદરની ખાડી, મૂળ દ્વારકા વિસ્તારના દરિયાકાંઠે હોડી મારફત વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે તો કોડીનારના ઘાંટવડ, સુગાળા સહિતના વિસ્તારોમાં દેશી દારૂ ગાળવાના મીની કારખાના ચાલતા હોવા અંગે આ વિસ્તારની પ્રજાએ તંત્રનું વારંવાર ધ્યાન દોર્યું હોવા છતાં તંત્રએ એકપણ દેશી દારૂની ભઠ્ઠી પાડી શકી નથી ! તાલુકાના સીંધાજ, મઠ મુળ દ્વારકા-પણોદર ગામની પ્રજાએ જનતા રેડ પાડી તંત્રનું નાક વાઢી લીધું હોવા છતાં તંત્રને દારૂ વેચનારા નજરે નથી પડતાં. કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફુલી ફાલેલી દારૂ-જુગારની બદી નાથવા તંત્ર સક્રિય થશે ખરૂ ? તેવા સવાલ આમ જનતામાંથી પૂછાય છે.