અમદાવાદ,તા.૧૦

રાજયમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ પોલીસ દ્વારા કેટલીક વાર ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી તેવી પણ ફરિયાદ ઉઠવા પામે છે ત્યારે ઘરફોડ ચોરી કે મારામારી જેવા અનેક કેસોમાં ફરિયાદ નોંધાવવા લોકોને અનેકવાર પોલીસ સ્ટેશન ધક્કા પણ ખાવા પડે છે. ત્યારે સુરતમાં સરથાણા પોલીસે ૧પ૦ રૂપિયાની કિંમતના ડંડાવાળું પોતું ચોરાયાની ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ઓફિસની બહાર મુકાયેલુ પોતું સુકાતું હતું. ત્યારે તેને કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે જેના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. ઉત્રાણ ખાતે આવેલા સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા જનકભાઈ બાલુભાઈ ભાલાળાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરી છે. જે અનુસાર સહજાનંદ બિઝનેસ હબમાં ૧૩  અને ૧૪ નંબર વાળી ઓફિસના કાચના  પાર્ટીશનની બહાર ચોથી સપ્ટેમ્બરના રોજ  ડંડાવાળુ પોતું મુકયું હતું. બાદમાં દરવાજો બંધ કરી જનકભાઈના સાળા કેવલભાઈ કયાડા કામ અર્થે બહાર ગયા હતા અને સાંજે આઠેક વાગ્યે પરત ફર્યા હતા. આ  દરમ્યાન ડંડાવાળુ પોતું ગાયબ હતું. જેથી આ અંગે તપાસ કરતા જાણવા  મળ્યું કે અજાણ્યા લોકો ડંડાવાળુ પોતું ચોરી ગયા છે. ફરિયાદી જનકભાઈ ભાલાળાએ કહ્યું કે, લોકો અવારનવાર કહેતા હોય છે કે, અમારી બાઈક ચોરાઈ ગઈ, મોબાઈલ ચોરાયો કોઈ ફરિયાદ લેતું નથી. અમારૂં ડંડાવાળું પોતું ૧પ૦ની જ કિંમતનું છે. ચોરી જ ન થવી જોઈએ. ચોરી થાય તો પોલીસે ફરિયાદ લઈને આરોપીની તપાસ કરીને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ એ હેતુથી આ ફરિયાદ કરી છે. જનકભાઈએ કહ્યું કે, હું આરટીઆઈ એકિટવિસ્ટ અને સામાજિક કાર્યકર છું. મારી ઓફિસ બહારથી પોતું ચોરવા માટે  કોઈએ ઈરાદાપૂર્વક હેરાન કરવા આ કર્યું છે બે જણ એકિટવા પર આવે છે. એ દરમ્યાન  એક ફોર વ્હીલ પણ આવે છે. મારી  ઓફિસ નજીકથી એક વ્યકિત એકિટવા પર આવનારને આ પોતું આપતો હોય તેવા દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.  હાલ તો પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આમ પોલીસ અમારી ફરિયાદ નથી લેતી એવું કહેનારાઓને તેમજ જે ફરિયાદ નથી લેતી તેવી પોલીસને સરધાણા પોલીસે ઉદાહરણ પુરૂ પાડયું છે.