(એજન્સી) કોલકત્તા, તા.ર૬
પશ્ચિમ બંગાળમાં અત્યારે રાજકીય કાર્યકરોનો પક્ષપલટો કરવો સામાન્ય થઇ ગયો છે, એવા સમયે મમતા બેનરજીએ પોતાના પક્ષના નેતાઓ અને કાર્યકરોને “અવસરવાદી” ગણાવી એમને ચેતવણી આપી છે કે જે પક્ષમાં થઇ રહ્યું છે એની મને બધી ખબર છે.
રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં ટી.એમ.સી.ના કાર્યકરો પક્ષ છોડી ભાજપ સાથે જોડાયા છે. જયારે એનાથી વિપરીત પણ જો વધુ નહિ તો પણ સમાન ધોરણે થઇ રહ્યું છે.
અહેવાલો મળ્યા છે કે પક્ષના ઘણા નેતાઓ ભાજપ સાથે જોડાવવા વિચારી રહ્યા છે એવામાં હાલમાં જ મોટી વગ ધરાવતા ટી.એમ.સી. નેતાઓએ પક્ષ સામે અસંતોષ વ્યક્ત કર્યું હતું. અમુક નેતાઓ પક્ષમાં પોતાની અવગણના થતી હોવાના લીધે અસંતુષ્ટ છે અને અન્યો મમતાના ચૂંટણી સલાહકાર પ્રશાંત કિશોરથી અસંતુષ્ટ છે. મમતાએ કહ્યું કે ઘણા બધા પૂછી રહ્યા છે બાંકુરાના પ્રભારી કોણ છે ? પુલિયાના કોણ ? કોણ મિદનાપુર સંભાળશે ? કોણ જલપાઈગુડી સાચવશે ? કોણ આસનસોલ સાચવશે ? હું એક વાત સ્પષ્ટ કરવા માંગું છું અને સંદેશ આપવા માંગું છું કે એક પક્ષના કાર્યકર તરીકે હું જ સમગ્ર બંગાળની પ્રભારી છું. બ્લોક દર બ્લોક કોણ શું કરી રહ્યું છે, કોણ કોને મળી રહ્યું છે, એથી ઝેડ સુધી હું બધાની ઉપર નિગરાની કરી રહી છું. જેમાં પક્ષ પણ મને મદદ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે જેઓ ટી.એમ.સી.ના કાર્યકરો છે પણ તેઓ અન્યો સાથે પણ સંપર્કમાં છે. એવું નહિ સમજતા કે દીદીને કંઈ ખબર નથી. એમણે કહ્યું, “ અમારા માનવા મુજબ તેઓ અવસરવાદીઓ છે તેઓનું એક ગ્રુપ છે. તેમની સંખ્યા ખૂબ જ ઓછી છે. જે લોકો રાત્રિના અંધારામાં ક્યાં જાય છે એમની ઉપર નિગરાની રાખો. કોણ કોની સાથે ફોન ઉપર વાતચીત કરે છે. એમની ઉપર નિગરાની રાખો.