રિયો ડે જેનેરિયો, તા.૮
કોપા અમેરિકાના ફાઇનલમાં સોમવારે બ્રાઝિલે પેરૂને ૩-૧થી હરાવીને ૧૨ વર્ષ બાદ ફરી ટૂર્નામેન્ટ જીતી છે. આ સાથે બ્રાઝિલે પોતાની યજમાનીમાં કોપા અમેરિકા જીતવાનો રેકોર્ડ પણ જાળવી રાખ્યો છે. ૧૯૧૯, ૧૯૨૨, ૧૯૪૯, ૧૯૮૯ બાદ આ પાંચમી વખત છે જ્યારે બ્રાઝિલે કોપા અમેરિકાની યજમાની કરી અને તેણે ટૂર્નામેન્ટમાં જીત હાસિલ કરી છે. બ્રાઝિલે કુલ ૯મી વખત કોપા અમેરિકાનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
બ્રાઝિલે ટૂર્નામેન્ટનું નવુ ફોર્મેટ (૧૯૯૩ બાદ)માં અત્યાર સુધી ૬ વખત ફાઇનલ રમી છે. તેમાં તેને ૫ વખત જીત મળી છે. ટીમને એકમાત્ર હાર ૧૯૯૫ના ઉરૂગ્વે વિરૂદ્ધ મળી હતી. બ્રાઝિલ માટે ગ્રેબિયલ હેસુસ ટોપ પરફોર્મર રહ્યો હતો. તેણે એક ગોલ કર્યો, જ્યારે એક અન્ય ગોલમાં આસિસ્ટ કર્યું હતું.
ગ્રુપ સ્ટેજમાં પેરૂ વિરૂદ્ધ ૫-૦થી જીત મેળવી ચૂકેલા બ્રાઝિલે આ મેચમાં પણ શરૂઆતથી આક્રમકતા દાખવી હતી. ૧૫મી મિનિટમાં હેસુસે બે ડિફેન્ડરો વચ્ચેથી પાસ કર્યો અને બોલ ખાલી ક્ષેત્રમાં ઉભેલા એવરટન સોઆરેસની પાસે પહોંચાડ્યો હતો. એવરટને કોઈ ભૂલ કર્યા વિના ટીમ માટે પહેલો ગોલ કર્યો હતો. પેરૂએ હાફ ટાઇમની એક મિનિટ પહેલા પેનલ્ટી પર ગોલ કરીને બરોબરી હાસિલ કરી લીધી હતી. રેફરીએ બોલ થિએગો સિલ્વાના હાથમાં લાગ્યા બાદ પેરૂને પેનલ્ટી આપી હતી.