નવી દિલ્હી,તા.૧૩
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટિ્‌વટર એકાઉન્ટના ડીપીમાં લાગેલી તસવીર ગુરુવારે રાતે અચાનક થોડા સમય માટે ગાયબ થઈ ગઈ. પછી ખબર પડી કે કોઈએ કોપીરાઈટ ક્લેમ કરતા ટિ્‌વટરે આ તસવીર હટાવવાની કાર્યવાહી કરી. ટિ્‌વટરની આ કાર્યવાહી પર સોશિયલ મીડિયામાં સવાલ ઉઠવા લાગ્યા તો થોડા સમય બાદ ટિ્‌વટરે તે તસવીર ફરીથી લગાવી દીધી. હકીકતમાં ગુરુવારની રાતે ગૃહમંત્રી અમિત શાહના ટિ્‌વટર ડીપીમાં મૂકાયેલી તસવીર પર એક મેસેજ જોવા મળ્યો મીડિયા નોટ ડિસ્પ્લેડ. ટિ્‌વટરે આ સંદેશમાં જણાવ્યું કે કોઈ કોપીરાઈટ હોલ્ડરના ક્લેમ કરવાના કારણે આ તસવીર હટાવવામાં આવી. જો કે થોડા સમય બાદ ટિ્‌વટરે તે તસવીર પાછી હતી એમ મૂકી દીધી. ટિ્‌વટરની આ કાર્યવાહી પર સોશિયલ મીડિયામાં જ સવાલ ઉઠવા લાગ્યા કે આખરે ગૃહમંત્રીની પોતાની તસવીર પર કોઈ ક્લેમ કેવી રીતે કરી શકે? ગૃહમંત્રી અમિત શાહ સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય નેતા છે. ટિ્‌વટર પર સૌથી વધુ ફોલોઅર્સ મામલે તેઓ દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરના લોકપ્રિય નેતા છે. તેમના ૨૩.૬ મિલિયન ફોલોઅર્સ છે. ગૃહમંત્રી અમિત શાહ ૨૯૬ લોકોને ફોલો કરે છે.