(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧ર
ચોરવાડના વિસણવેલ ગામે માતૃવંદન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના પરીક્ષા કેન્દ્ર ઉપર સ્કવોર્ડના અધિકારીઓ ઉપર ટોળાએ હુમલો કરતા ફરજમાં રૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી ઉઠી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ચોરવાડના પોલીસ કોન્સ્ટેબલ દેવેન ભીખનભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે કે અજાણ્યા ૩૦થી ૪૦ માણસોના ટોળા પર પરીક્ષા કેન્દ્રમાં સ્કવોર્ડના અધિકારીઓએ કોપી કેસ કરેલ છે. જે બાબતનું મનદુઃખ રાખી સ્કવોર્ડના અધિકારીને માર મારવા અંગે દેકારો કરી ધસી આવતા તેને ફરિયાદી સહિતનાઓએ તાત્કાલિક આ ટોળાને પરીક્ષા કમ્પાઉન્ડમાં બહાર કાઢતા ટોળાના લોકોએ પોતાનો ઈરાદો પાર પાડવા એકસંપ થઈ ગયા હતા. તેમજ ગેઈટની બહાર રોડ ઉપરથી ફરિયાદી સહિતનાઓ ઉપર છૂટા પથ્થરોના ઘા ફેંકી ફરિયાદી તથા સાહેદોની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ તે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ ચોરવાડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ એન.કે.વિંઝુડા ચલાવી રહ્યા છે.