સ્ટાફ સિલેક્શન કમિશન, બેંકિંગ અને રેલવે માટે હવે અલગ અલગ પરીક્ષા આપવી પડશે નહીં, એક જ ટેસ્ટ દ્વારા સિલેક્શન થઇ શકશે

કેન્દ્રીય કેબિનેટે બુધવારે નેશનલ રીક્રુટમેન્ટ એજન્સી (એનઆરએ)ની મંજૂરી સહિત શ્રેણીબદ્ધ નિર્ણયોની જાહેરાત કરી હતી. એનઆરએ પાછળનો હેતુ હવે જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓ નાબૂદ કરીને તેના સ્થાને એક માત્ર ઓનલાઇન કોમન એલિજીબિલિટી ટેસ્ટ એટલે કે સીઇટી લેવામાં આવશે.
આમ હવે કેન્દ્ર સરકારે ભરતી માટે એનઆરએની રચના કરી છે અને હવે નોકરી માટે માત્ર એક જ કોમન એલિજીબિલિટી ટેસ્ટ આપવાનો રહેશે. આ અંગે પ્રેસ બ્રિફીંગમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ નિર્ણયથી દેશના નોકરીવાંચ્છુ યુવાનોને લાભ થશે કારણ કે એનઆરએ ભરતીની પ્રક્રિયાને ઝંઝટમુક્ત કરીને બિનજરુરી ખર્ચ, અગવડતા ઘટાડે છે અને સરકાર તેમજ ઉમેદવારના સમયની પણ બચત થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે એનઆરએ કરોડો યુવાનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. કોમન એલિજીબિલિટી ટેસ્ટ દ્વારા તેમાં અનેક પરીક્ષાઓ નાબૂદ થશે અને તેના કારણે સમય અને સંસાધનોની બચત થશે. આ પારદર્શિતાને પ્રોત્સાહિત કરશે.
કોમન એલિજીબિલિટી ટેસ્ટ આખરે શું છે ? ચાલો આપણે જાણીએ
૧. એનઆરએ દ્વારા સંચાલિત કોમન એલિજીબિલિટી ટેસ્ટ (સીઇટી) એ ઓનલાઇન ટાયર-૧ પરીક્ષા હશે જેનો હેતુ સરકારી અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં ભરતી માટે અન્ય તમામ પરીક્ષાઓની જરૂરિયાતને નાબૂદ કરવાનો છે.
૨. કોમન એલિજીબિલિટી ટેસ્ટ નોન ગેજેટેડ કે નોન ટેકનિકલ જગ્યા માટે ગ્રુપ-બી અને સી કેટેગરી હેઠળ ઉમેદવારોની ચકાસણી કરીને તેમને અલગ તારવશે.
૩. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને હવે જુદી જુદી સંસ્થાઓને હવે વારંવાર ફી ચૂકવવાની જરુર રહેશે નહીં.
૪. કોમન એલિજીબિલિટી ટેસ્ટ સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ અને ઇન્સ્ટીટ્યૂટ ઓફ બેંંકિેંગ સર્વિસ પર્સોનલ દ્વારા સંચાલિત પ્રથમ સ્તરીય પ્રવેશ પરીક્ષાનું સ્થાન લેશે.
૫. આ પરીક્ષા જુદા જુદા શૈક્ષણિક સ્તર માટે અને જુદી જુદી ભારતીય ભાષામાં વર્ષમાં બે વાર યોજવામાં આવશે.
૬. રાજ્યોના પ્રત્યેક જિલ્લામાં વંચિત વર્ગો, ગ્રામીણ ઉમેદવારો અને મહિલાઓને મદદરૂપ થાય તે માટે એક કોમન એલિજીબિલિટી ટેસ્ટ કેન્દ્ર હશે.
૭. કોમન એલિજીબિલિટી ટેસ્ટનો સ્કોર પરિણામની જાહેરાતની તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે.
૮. ઉમેદવારોને પોતાનો સ્કોર સુધારવા માટે બે વધારાની તક મળશે અને ત્રણમાંથી જે વધુ સારો સ્કોર હશે તે ધ્યાનમાં લેવામાં આવશે.
૯. નેશનલ રીક્રુટમેન્ટ એજન્સી પ્રશ્નો અને ફરિયાદો માટે ૨૪૭ હેલ્પલાઇન શરુ કરશે અને ખાસ કરીને ગ્રામીણ ઉમેદવારોને મદદ કરવા માટે નિયમીત સમયાંતરે મોક ટેસ્ટનું આયોજન કરશે.
૧૦. ઉમેદવારો પોતાની અભિમુખતાને આધારીત જુદા જુદા ક્ષેત્રમાં નોકરી માટે અરજી કરશે અને કોમન એલિજીબિલિટી ટેસ્ટના સ્કોરના આધારે પસંદગી કરવામાં આવશે.
નેશનલ રીક્રુટમેન્ટ એજન્સી ભારતભરમાં મેડિકલ અને એન્જિનીયરીંગ કોલેજોમાં સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે કોમન પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરનાર નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) જેવી જ હશે. અત્રે નોંધનીય છે કે કોમન એલિજીબિલિટી ટેસ્ટનું મેરીટ લિસ્ટ એનઆરએ સાથે કોસ્ટ-શેરીંગ આધારે રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે પણ લાગુ પડશે. (સૌ. : ઇન્ડિયા.કોમ)