(એજન્સી)
અમદાવાદ, તા.ર૮
અમદાવાદના શાહપુરમાં પથ્થરમારાની ઘટનાના બીજા દિવસે બે સમુદાયો વચ્ચે કોમી આગ ભડકે તેવી વીડિયો વાયરલ કરવા બદલ ટિ્‌વટર યુઝર સામે શહેર ક્રાઈમ બ્રાંચના સાયબર સેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેની એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચ અને ડી-સ્ટાફના ફરજ નિભાવી રહેલા કર્મચારીઓ સંઘ અને ભાજપના કાર્યકરો હોવાનું વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું અને આ લોકો પોલીસ સાથે ભળી હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી તંગદિલી ફેલાવી રહ્યા છે. ગત આઠ મેના રોજ શાહપુર વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને સોશિયલ મીડિયા પર વોચ ગોઠવી હતી જેના પગલે મુસ્લિમ મિરર નામના ટિ્‌વટર એકાઉન્ટ પરથી આ ભડકાઉ વીડિયો વાયરલ કરાતા પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, નવ મેના રોજ આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ સાથે ભાજપ અને સંઘના કાર્યકરો સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.