(એજન્સી) તા.૪
તાજેતરમાં જ બીબીસી દ્વારા એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો અને આ વીડિયોમાં એક હિન્દુ ટોળામાં સામેલ રહેલ હુમલાખોર અને રખમાણકારે કબૂલાત કરી હતી કે દિલ્હી પોલીસે જ તેમને મુસ્લિમોના ટોળા પર પથ્થરમારો અને હુમલા કરવાની છૂટ આપી હતી. તેણે સ્વીકાર્યું હતું કે દિલ્હી પોલીસે જ અમને કહ્યું હતું કે અમે મુસ્લિમો પર પથ્થરમારો કરીએ. આ વીડિયોમાં દેખાતી વ્યક્તિનું નામ હિમાંશુ રાઠોડ છે અને તે કહે છે કે અમારી પાસે પથ્થરમારો કરવા માટે પૂરતાં પથ્થરોની વ્યવસ્થા પણ નહોતી પરંતુ પોલીસે જ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. પોલીસે જ અમને પથ્થરમારો કરવા માટે પથ્થરો પણ લાવી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં જે રીતે ર૩થી રપ ફેબ્રુઆરી દરમિયાન હિંસા થઇ તેના કારણે ૧૯૮૪ના રમખાણોની યાદ તાજા થઇ ગઇ હતી. બસ આ વખતે મુસ્લિમ સમુદાયના લોકોને જ નિશાન બનાવીને આ હિંસા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. અહીં અનેક મુસ્લિમોના ઘરોને બાળી નાખવામાં આવ્યા. આશરે ૪પથી વધુ લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે ર૦૦થી વધુ લોકો ઘવાયા છે. આ સત્તાવાર આંકડો છે. દિલ્હી હિંસાને કારણે એવી અનેક ઘટનાઓ સામે આવી હતી જેનાથી સ્પષ્ટ થઇ જતું હતું કે આ હિંસા કોઇ સીએએ કાયદાના વિરોધમાં નહીં પરંતુ એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવી હતી. આ વખતે પણ દિલ્હી પોલીસની કાયરતા સામે આવી ગઇ હતી. દિલ્હી પોલીસે કોઇપણ જગ્યાએ યોગ્ય કાર્યવાહી કરી જ નહીં અને તેના લીધે જ અનેક પૂર્વ પોલીસ અધિકારીઓએ પણ દિલ્હી પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી.