(સંવાદદાતા દ્વારા) જંબુસર, તા.૨૩
જંબુસર તાલુકાના કોરા ગામે મોટા ફળિયામાં એક દુકાનદારે પોતાની દુકાન લોકડાઉનની પરિસ્થિતિમાં ખુલ્લી રાખેલ હોય એવી બાતમી કાવી પોલીસના કોન્સટેબલને મળતાં તેઓ ઘટનાસ્થળે બંધ કરાવવા જતા ત્રણ વ્યક્તિઓએ તેમને ગડદાપાટુનો માર મારી શર્ટના બટન તોડી નાખી મારી નાખવાની ધમકી આપી અને બિભત્સ ગાળો આપી એ બાબત અંગેની ફરિયાદ કાવી પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કોરા ગામે મોટા ફળિયામાં રહેતા ગોહિલ ગૌતમ ગણપતે પોતાની દુકાન ખુલ્લી રાખી હતી જેથી આ અંગે પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર રામજીભાઈ તપાસ કરવા જતાં દુકાનદાર ગૌતમ ગણપત ગોહિલ અર્જુન ગણપત અને ગોહિલ વિનોદ હરિભાઈએ માર મારી બિભત્સ ગાળો બોલી કોલર પકડી ખેંચતાણ કરી શર્ટનો બટન તોડી નાખ્યા હતા. જોરથી ધક્કો મારી નીચે પાડી દેતાં બંને હાથે કોણીના ભાગે તથા ડાબા પગ ઉપર ઘૂંટણના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.