• લોકડાઉન અને રાત્રી કરફ્યુને અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યો
• અગાઉ મોટાભાગનો સમય બહાર ગાળતા પુરૂષો હવે ઘરમાં રહેતા થયા છે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
ગુજરાતમાં છેલ્લા દસ મહિનાથી કોરોનાની મહામારીના કારણે શરૂ કરાયેલા લોકડાઉન અને ત્યારબાદ રાત્રી કરફ્યુને અનેક પરિવારો આશીર્વાદરૂપ માની રહ્યા છે, તેમનું જણાવવું છે કે, કોરોનાને કારણે બહાર ભલે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડતું હોય પરંતુ પરિવારના પુરૂષ સભ્યો રાત્રે સમયસર ઘરમાં હાજર થઈ જતાં હોવાથી પરિવારોમાં સામાજિક અંતર ઘટ્યું છે. પુરૂષ સભ્યો ઘરમાં જવાબદારી સંભાળતા થઈ ગયા છે.
શહેરોમાં પોળ, સોસાયટી, ચાલી, મહોલ્લા વગેરે ગીચ વસ્તીમાં રહેતા લોકો ખાસ કરીને યુવાનો, નોકરિયાતો અને ધંધાર્થીઓ મોડી રાત્રી સુધી પોળ સોસાયટી કે ગલીના નાકે બાંકડા, ખાટલા કે ઓટલા પરિષદ ભરતા હોય છે. પરિણામે તેઓ તેમના પરિવારજનોને પૂરતો સમય ફાળવતાં ન હતા. આવા લોકોની પત્નીઓ કે માતાઓની ફરિયાદ રહેતી હતી કે તેમના ઘરના પુરૂષો આખો દિવસ અભ્યાસમાં કે નોકરી-ધંધામાં સમય ગાળતા હતા, જ્યારે રાત્રે ખાઈ-પી નવરા થઈ મિત્રો સાથે મોડી રાત્રી સુધી ગપ્પા મારતા હતા. પરિણામે તેમના ઘરની સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જતી હતી. તેમને કોઈ કામ બતાવો તો ઘુરકિયા કરતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ છે.
રાયખડમાં રહેતા જુબેદાબેન અને તેમની પુત્રવધૂ પરવીનબાનું જણાવે છે કે, કોરોનાએ આખા વિશ્વને ભલે પોતાના સકંજામાં લીધો હોય અને તેના કારણે બહાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડતું હોય પરંતુ અમારા પરિવારમાં સામાજિક અંતર ઘટ્યું છે. અમારા ઘરના પુરૂષો અગાઉ નોકરી-ધંધાથી આવ્યા બાદ રાત્રે જમી પરવારી મિત્રો સાથે બેસવા નીકળી જતાં હતા. પરંતુ કોરોનાના કારણે લોકડાઉનના સમયગાળામાં તેઓ મોટાભાગે આખો દિવસ ઘરમાં જ પસાર કરતા હતા. ઉપરાંત અનલોક બાદ પણ તેઓએ આ ક્રમ જાળી રાખ્યો છે. હાલ અમદાવાદમાં તો નવ વાગ્યા બાદ કરફ્યુ લાગી જતો હોવાથી પુરૂષો સમયસર ઘરે આવતા રહે છે અને તેઓ અમને તથા બાળકોને પૂરતો સમય આપી રહ્યા છે. પરિણામે તેઓમાં સામાજિક જવાબદારી વધી છે જે અમારા માટે સૌથી મોટી ખુશીની બાબત છે. શાહઆલમ વિસ્તારમાં રહેતા સલમાબેન, ફાતિમાબેન, હલીમાબેન પણ કોરોનાની હાલની પરિસ્થિતિને આશીર્વાદરૂપ માની રહ્યા છે તેઓ જણાવે છે કે, કોરોના મહામારીને કારણે જે લોકો અવસાન પામ્યા છે તથા જે લોકો ભોગ બન્યા છે તે માટે અમને ખૂબ દુઃખ છે અને અલ્લાહથી દુઆ કરીએ છીએ કે પાક પરવરદિગાર તમામ લોકોને કોરોનાથી સલામત રાખે. પરંતુ સાથે-સાથે એ પણ કહેવાનું કે કોરોનાને કારણે અસંખ્ય પરિવારના સભ્યો એકબીજાની નજીક આવ્યા છે, અમે તો સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. આથી અમારા પરિવારમાં તો પુરૂષ વર્ગને પહેલાંથી જ સમયસર ઘરમાં આવી જવાની આદત પડી છે એટલે સામાજિક રીતે તો અમે પહેલાથી જોડાયેલા છીએ. પરંતુ જે ઘરોમાં પુરૂષ વર્ગ અગાઉ મોટાભાગનો સમય નોકરી-ધંધામાં પસાર કરતા હતા. ત્યાં કોરોના બાદ લોકડાઉન અને રાત્રી કરફ્યુના લીધે મોટાભાગના ઘરોમાં પુરૂષ વર્ગ સમયસર ઘરમાં આવી જાય છે, પરિણામે તેઓ ઘરની જવાબદારી સમજતા થયા છે. ઘરની મહિલાઓ આખો દિવસ કઈ રીતે કામ કરે છે તે પણ નરી આંખે જોઈ તેમનામાં એકબીજા પ્રત્યે કુણી લાગણી જન્મી છે. જો કે, એવું પણ વાંચવામાં કે સાંભળવામાં આવ્યું છે કે, કોરોનાએ અસંખ્ય પરિવારોમાં વિખવાદ પણ પેદા કર્યો છે. જ્યારે કેટલાક પરિવાર તો તૂટી પણ ગયા છે જે તેઓમાં રહેલી સહનશક્તિનો અભાવ દર્શાવે છે.