આગામી મંગળવારે અથવા બુધવારે જ મોનસૂન સત્ર પર પડદો પડવાની શકયતા : વિપક્ષે પણ સંમતિ આપી દીધી

બે મંત્રીઓ અને ભાજપ સાંસદ સત્ર દરમ્યાન કોવિડ-૧૯ પોઝિટિવ જાહેર થતાં સત્ર નક્કી સમય પહેલાં જ આટોપી લેવા અંગે વિચારણા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
સંસદનુ ચોમાસું સત્ર પહેલી ઓકટોબર પહેલા જ સમાપ્ત કરવામાં આવે તેવી શકયતા છે. સરકાર અને વિપક્ષ વચ્ચે આ મામલે ચર્ચા થઈ હતી. સંસદમાં પણ કોરોનાએ પોતાનો પંજો પ્રસારતા સત્ર વહેલું પૂરૂ કરવા વિચારણા હાથ ધરાઈ છે. સત્ર દરમ્યાન ભાજપના બે મંત્રીઓ અને ભાજપના એક સાંસદ કોવિડ-૧૯ પોઝિટિવ મળી આવતા ચોમાસું સત્ર પર વહેલો પડદો પડવાની સંભાવના છે. હાલ જારી સંસદનું સત્ર આગામી બુધવારે કે મંગળવારે સમાપ્ત થવાની પ્રબળ શક્યતા છે. ભાજપના સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધેએ રાજ્યસભામાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ તેઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. અલબત્ત સત્ર શરૂ થયા પહેલા કરવામાં આવેલી તપાસમાં તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ જ રીતે ચાલુ સત્ર વખતે નિતિન ગડકરી અને પ્રહલાદ પટેલ પણ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ગત બુધવારે ટ્‌વીટ કરી માહિતી આપી હતી કે, તેઓ કોરોના સંક્રમિત થયા છે. આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઘણાં કેન્દ્રીય મંત્રીઓ તથા સાંસદો કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. નિતિન ગડકરીએ ટ્‌વીટ કરી લખ્યું હતું કે, ગઈકાલે હું કમજોરી અનુભવતો હતો. જેના પગલે મે ડોકટરની સલાહ લીધી. તપાસ દરમ્યાન મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મે પોતાની જાતને આઈસોલેટ કરી લીધી છે. સંસદનું ચોમાસુ સત્ર ગત ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. સત્રના પ્રથમ દિવસે લોકસભાની બેઠક સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી યોજાઈ હતી. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી બેઠક યોજાઈ હતી. આ જ રીતે રાજ્યસભામાં પણ પ્રથમ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી બેઠક મળી હતી. ત્યારબાદ રોજ સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી બેઠક યોજાતી હતી. આ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી પહેલી ઓકટોબર સુધી યોજાનાર હતું. જેમાં કુલ ૧૮ બેઠકો પ્રસ્તાવિત છે. આ સત્રમાં શનિવાર અને રવિવારની પણ રજા અપાઈ ન હતી. હવે કોરોના વાયરસના કારણે સત્ર વહેલું સમેટી લેવામાં આવે તેવી શકયતા છે. કેન્દ્ર સરકાર મંત્રીઓ અને તમામ સાંસદોના આરોગ્ય માટે ચિંતિત છે. બિઝનેસ એડવાઈઝરી કમિટિની બેઠક બાદ આ મામલે નક્કર નિર્ણય લેવામાં આવશે. વિપક્ષે પણ સત્ર વહેલું સંકેલી લેવા સંમતિ દર્શાવી હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાના ફરજિયાત ટેસ્ટમાં લોકસભાના સત્તર અને રાજ્યસભાના આઠ સભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. કોરોનાગ્રસ્ત થયેલા નેતાઓમાં સૌૈથી વધુ ૧૨ નેતા ભાજપના છે. જ્યારે વાયએસઆર કોંગ્રેસના બે, શિવસેના, ડીએમક, આરએલપીના એક-એક નેતાઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા સંસદમાં કોરોનાના પ્રસારને અટકાવવા સાવચેતીના અનેક પગલા ભરવામાં આવ્યા છે પણ કેન્દ્ર સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. સત્ર સમાપ્ત થતાં પહેલા સરકાર ૧૧ વટહુકમો પસાર કરવા માંગે છે. અત્યાર સુધી સંસદમાં ખેડૂતોને લગતા માત્ર ત્રણ ખરડા જ પસાર થયા છે. જે અંગે ધીમે ધીમે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ઉપરાંત સાંસદોના પગારમાં ૩૦ ટકા પગાર કાપનો ખરડો પસાર થયો હતો.
સાંસદો અને મંત્રીઓ દ્વારા પોતાની મરજીથી નિયમિત રીતે આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાવી રહ્યા છે. તેમના સ્ટાફ માટે દર ૭૨ કલાકે ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. આ અગાઉ શનિવારે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને સાંસદ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં સવાલો ઉઠાવ્યા હતા.