(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૦
ઉનાળાની ભરગરમીમાં રાજ્યમાં કોરોના વાયરસનો તાપ પણ વધી રહ્યો છે જેમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોના પોઝિટિવ કેસોનો જાણે રાફડો ફાટયો હોય તેમ સતત વિસ્ફોટક પ્રમાણમાં કોરોનાના કેસો બહાર આવેલ છે ત્યારે છેલ્લા બે દિવસના વિસ્ફોટક કેસો કરતાં આજે થોડાક ઓછા કેસ બહાર આવ્યા છે. રાજ્યમાં આજે નવા ર૦૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા છે. જેમાં ત્રણ ભાગના એટલે કે, ૧પર કેસો એકલા અમદાવાદના છે. કોરોનાને લીધે રાજ્યમાં મૃત્યુનું પ્રમાણ પણ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ વધુ રહેતા આજે સતત ત્રીજા દિવસે રાજ્યમાં વધુ આઠ વ્યક્તિઓ કોરોનાનો કોળિયો બન્યા છે. રાજ્યના મૃત્યુદરને લઈ કેન્દ્રની ઉચ્ચ કક્ષાની ટીમે ગુજરાતમાં આવી તપાસ પણ હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ ૭૧ વ્યક્તિઓના મોત થવા પામેલ છે તો બીજી તરફ કોરોનાની સારવાર બાદ સાજા થનારાનો રેશિયો પણ રાજ્યમાં ઓછો હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં આજે જો કે, વધુ ર૬ કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૧ કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું વધતું પ્રમાણ ચિંતા ઉપજાવે તે સ્થિતિમાં પહોંચ્યું છે અને તેમાં પણ અમદાવાદની સ્થિતિ ગંભીર બની રહી હોઈ સરકારી તંત્રની દોડધામ વધી જવા પામી છે. રાજ્યમાં ગતરોજ એક જ દિવસમાં ૩૬૭ અને તેના આગલા દિવસે શનિવારે ર૮૦ જેટલા વિસ્ફોટક કેસો બહાર આવતા બે દિવસમાં જ કોરોનાના કેસોના આંકમાં ૬૪૭ ધરખમ ઉછાળો નોંધાવવા પામ્યો હતો તે બાદ આજે થોડાક ઓછા થતાં રાજ્યમાં ર૦૧ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જેમાં અમદાવાદના ૧પર અને સુરતના ર૭ કેસ તથા અરવલ્લી જેવા આદિવાસી પટ્ટીના જિલ્લામાં આજે એકીસાથે ૬ કેસ બહાર આવેલ છે. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક ૧૯૩૯ પર પહોંચ્યો છે. જેમાં એકલા અમદાવાદના ૧ર૪૮ કેસ છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોરોનાના મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. જેમાં શનિવારે ૧રના અને ગત રોજ ૧૦ના મૃત્યુ થયા બાદ આજે સતત ત્રીજા દિવસે પણ રાજ્યમાં આઠ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. એટલે કે ત્રણ દિવસમાં જ ૩૦ લોકો કોરોનાનો કોળિયો બની ચૂકયા છે. આ સાથે રાજ્યમાં કુલ ૭૧નો કોરોનાએ ભોગ લીધો છે. આજે પણ આઠ પૈકી એક મહિલા અને પુરૂષ બન્ને બાદ કરતાં અન્ય ચારેય દર્દીઓ હાયપર ટેન્શન, ડાયાબિટીસ જેવી અગાઉથી બીમારી ધરાવતા હતા. અન્ય બે મૃત્યુ સુરતના છે જેઓને પણ ડાયાબિટીસ હાયપર ટેન્શન, હૃદય-કીડની વગેરેની અગાઉથી બીમારી હોવાનું હોસ્પિટલ તરફથી જણાવાયેલ છે. આ મૃત્યુને પગલે અમદાવાદમાં કુલ ૩૮નાં મોત થયેલ છે તો સુરતમાં ૧૦ના મોત થવા પામેલ છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ ૧૯૩૯ પૈકી ૧૯ જણાને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલ છે અને ૧૭૧૮ની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી આજે વધુ ર૬ જણા સાજા થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદના ર૦ દર્દીઓ જેમાં ૧પ પુરૂષ અને પ મહિલા સામેલ છે તેમજ રાજકોટના ત્રણ પુરૂષ દર્દીઓ અને સાબરકાંઠા, ગાંધીનગર તથા ભાવનગરના ૧-૧ દર્દીઓ મળી કુલ ર૬ દર્દીઓ કોરોનામુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં ર૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૪ર૧ર સેમ્પલ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ૧૯૬ પોઝિટિવ અને ૪૦૧૬ નેગેટિવ આવેલ છે. ટેસ્ટનું પ્રમાણ વધતાં રાજ્યમાં કુલ સેમ્પલ ટેસ્ટનો આંક ૩૩૩૧૬ પર પહોંચી જવા પામ્યો છે જેમાંથી ૩૧૩૭૭ નેગેટિવ આવેલ છે.
રાજ્યમાં ર૪ કલાકમાં નોંધાયેલ કેસ
જિલ્લો ર૪ કલાકમાં કેસ કુલ કેસ કુલ મોત
અમદાવાદ ૧પર ૧ર૪૮ ૩૮
સુરત ર૭ ર૬૯ ૧૦
વડોદરા ૦૮ ૧૮૮ ૦૭
અરવલ્લી ૦૬ ૦૭ ૦૧
કચ્છ ૦ર ૦૬ ૦૧
મહીસાગર ૦૧ ૦૩ –
પંચમહાલ ૦ર ૧૧ ૦ર
રાજકોટ ૦ર ૩૮ –
મહેસાણા ૦૧ ૦૬ –
Recent Comments