અમદાવાદ, તા.૮
વિશ્વ આખું ભલે કોરોનાની રસી શોધવામાં ધંધે લાગ્યું હોય પરંતુ કોરોનાને થતો અટકાવવામાં અને કોરોનાની સારવારમાં ભારતીય પરંપરાગત આયુર્વેદિક સારવાર પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે. અમદાવાદની અખડાનંદ આયુર્વેદિક કોલેજની ટીમે એસવીપી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે તૈયાર કરેલા આયુર્વેદિક ઉકાળા ખૂબ જ ફાયદાકારક બન્યા છે. જો કે, નિષ્ણાત વૈધના જણાવ્યા મુજબ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે.
કોરોનાએ માનવીને ખાસ કરીને યુવા પેઢીને બાહ્ય શારીરિક દેખાવો કરવા કરતા આંતરિક સુદ્રઢતા, આંતરિક શારીરિક મજબૂતી માટે પ્રેર્યા છે.
અમદાવાદની આયુર્વેદિક અખડાનંદ કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ ડૉ.રામ શુક્લા ઉકાળાની મહત્તા તેમાં રહેલા તત્ત્વોના ગુણો તેની અસરકારકતા અને ઉકાળા બનાવવાની શ્રેષ્ઠ રીત વિશે કહે છે કે, સરકાર દ્વારા ૧૦ મૂલ અને પથ્યાદી ક્વાથ યુક્ત ઉકાળા તૈયાર કરવામાં આવે છે. ૧૦ મૂલમાં બિલ્વ, અગ્નિમંથ, શ્યોનાક, પાટલા, ગંભારી, ગોક્ષુર, પૃષ્ણપર્ણી, શાલપર્ણી, કંટકારી, બૃહતીનું મિશ્રણ કરવામાં આવે છે. જે શ્વાસ લેવામાં પડતી તકલીફ, શરીરના કોઈપણ ભાગમાં થયેલ સોજા અને તાવ સામે રક્ષણ મેળવવામાં ઉપયોગી બને છે. જ્યારે પથ્યાદી ક્વાથમાં હરડે, બહેળા, આમળા, હળદર, લીમડો અને ગળાનું મિશ્રણ ઉમેરીને બનાવવામાં આવે છે. જે માથાના દુખાવા અને તાવ માટે ખૂબ જ અસરકારક છે. આ બંનેના મિશ્રણથી ઉકાળો તૈયાર થાય છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે સાથે-સાથે અન્ય તકલીફોમાં પણ ઉપયોગી બને છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી. હોસ્પિટલમાં સરકારી અખડાનંદ આયુર્વેદિક કોલેજની ટીમને કોરોનાગ્રસ્ત દર્દીઓની આયુર્વેદિક સારવાર માટે નિમણૂક કરવામાં આવી છે. કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ રામ શુક્લાની આગેવાનીમાં આ ટીમ ૧૧૪ દિવસથી સતત કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા સેવા-શુશ્રુષા કરી રહી છે. દરરોજ ટીમ પોતાની કોલેજથી વહેલી સવારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જાતે જ ઉકાળા તૈયાર કરીને હોસ્પિટલમાં વિતરણ કરવા લઈને આવે છે.
અત્યાર સુધીમાં એસ.વી.પી. હોસ્પિટલના ૧૭૦૦થી વધારે દર્દીઓએ ૧૨,૦૦૦ હજારથી વધુ વખત ઉકાળાનું સેવન કર્યું છે. દરરોજ ૧૦૦ જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને ઉકાળાનું વિતરણ કરાવવામાં આવે છે જેના દર્દીઓ અને કોરોના વોરિયર્સ તરફથી ખૂબ જ સકારાત્મક અને અસરકારક પ્રતિભાવો મળ્યા છે.
ઉકાળો બનાવવાની રીત
એક ભાગ પાવડરમાં ૧૬ ભાગ જેટલું પાણી લેવામાં આવે છે એટલે કે ૧૬ લીટર પાણીમાં ૧ કિ.ગ્રા. ઉકાળો ઉમેરવામાં આવે છે. જે ચોથા ભાગ જેટલું ન થઈ જાય ત્યાર સુધી તેને ઉકળવા દેવામાં આવે છે જેનું પા ભાગનું પાણી બાળી નાખવામાં આવે છે અને બાકીના ભાગના ઉકાળાનું સેવન કરવામાં આવે છે. ઉકાળો ગરમ પીવામાં આવે ત્યારે જ તે શરીર માટે ફાયદાકારક છે. ઠંડો કરેલા બજારમાં બોટલમાં તૈયાર મળતા ઠંડા થયેલા ઉકાળાની અસકરકારકતા ઓછી જોવા મળે છે.
Recent Comments