(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૨૩
ફળોના રાજા કેરીને પણ કોરોના વાઇરસ બાદ લોકડાઉનની અસર લાગતા દક્ષિણ ગુજરાતના લગભગ ૧૦ હજારથી વધુ ખેડૂતોને કરોડોનું નુકશાનની સંભાવના દેખાય રહી છે. વર્ષ ૨૦૧૯માં ૧૯ કરોડ કિલો કેરીનું વેચાણ કરનાર સુરત એપીએમસી ૨૦૨૦માં લોકડાઉન બાદ માત્ર ૨૫૦૦ – ૩૦૦૦ ટન કેરીનું વેચાણ થયું હોવાનું માર્કેટના સેક્રેટરી નિલેશભાઈ કહી રહ્યા છે. દર વર્ષે માર્ચ ૨૦ થી એપ્રિલ ૩૧ સુધીમાં એટલે કે ૫૦ દિવસમાં લાખો ક્વિન્ટલ કેરી વેચનાર વેપારીઓ આ મહામારીને લઈ લાચાર દેખાય રહ્યા છે. સુરતથી દર વર્ષે લગભગ ૧૦ ટન એક્સપોર્ટ થતી કેરી આ વર્ષે વિદેશોમાં મોકલવાનું અશક્ય બનતા વેપારીઓ ચિંતિત દેખાય રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષ ૬૦-૭૦ ટકા કેરીનો પાક હતો. જેના કરતા આ વર્ષે ૩૦-૩૫ ટકા જ પાક થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. લગભગ આ વર્ષે ૯ કરોડ કિલો કેરી વાડીઓમાં આંબા પર જ લટકતી રહેતા ખેડૂતો નિરાશ થયા છે. આ વર્ષે લગભગ ૧૫ કરોડનું ઓછામાં ઓછું નુકશાન થવાની સંભાવના છે.
સુરત એપીએમસી માર્કેટમાં કેરીના ૧૦ વેપારીઓ છે. જેઓ ગુજરાત સહિત મુંબઈ, જયપુર અને દિલ્હી સુધી સુરતની કેરી એક્સપોર્ટ કરે છે. નિલેશ થોરાતે વધુમાં ઉમેર્યું હતું કે, ગયા વર્ષે ૨૦૧૯માં ૬-૧૦ ટન કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ હતી. જ્યારે આ વર્ષે હજી કોઈ આંકડાકીય માહિતી આવશે કે કેમ એ એક પ્રશ્ન છે. જેને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ વર્ષે લગભગ ૧૦-૧૫ કરોડનું ઓછામાં ઓછું નુકશાન થવાની સંભાવના છે. આ નુકસાનનો આંકડો ઓછો કરવા સુરતમાં કેરીલાવવાના માર્ગ ખુલ્લા થવા જોઈએ અને સુરત બહાર ટ્રાન્સપોર્ટ સુવિધા સાથે કેરી મોકલવામાં સરળતા રહે એવા નિયમ લાગુ થવા જોઈએ એ સિવાય જો કોઈ વિકલ્પ હોય તો એના પર સરકારે વિચારવું જોઈએ.