અમદાવાદ, તા.૧૪
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કાળઝાળ ગરમીએ લોકોને પરેશાન કરી મૂક્યા છે. મે મહિનાના આરંભથી જ અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી વધુ જોવા મળી રહ્યો છે વળી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. લોકડાઉન ન હોત તો પણ રસ્તાઓ સૂમસામ ભાસે જ તેવી ગરમીનો અનુભવ હાલ ગુજરાતવાસીઓ કરી રહ્યા છે ત્યારે આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. ગુરૂવારના રોજ સુરેન્દ્રનગર અને અમરેલીમાં સૌથી વધુ ૪૧.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
એક તરફ લોકડાઉનને કારણે લોકો ત્રસ્ત થઈ ઉઠયા છે તો બીજી તરફ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આમ પણ મે મહિનામાં કાતિલ ગરમી જોવા મળે છે. ત્યારે આ વર્ષે પણ અંગદઝાડતી ગરમીના અનુભવ સાથે આકરો ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ તાપમાનની તો સુરેન્દ્રનગર અને અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી જ્યારે ગાંધીનગર અને વડોદરામાં ૪૧.૪, અમદાવાદમાં ૪૧.૧, રાજકોટમાં ૪૦.૮, ડીસામાં ૪૦.૪, ભૂજ અને કંડલામાં ૪૦.ર, ભાવનગરમાં ૩૯.૯, સુરતમાં ૩૯.૬ અને કેશોદમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું હતું.
કાળઝાળ ગરમીને જોતા લૂ લાગવાની સંભાવનાઓ છે જેને લીધે જાણકારો ગરમીથી બચવાની સલાહ આપી રહ્યા છે. આ ગરમીમાં લીંબું સરબત, વરિયાળીનું સરબત છાશ અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપી રહ્યા છે. જ્યારે આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત મળે તેવું દેખાતું નથી. કોરોનાના કહેર વચ્ચે ગરમી વધતા લોકો હવે છૂટકારો મળે તેવી કુદરત પાસે પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, વરસાદના સમાચાર આવતા લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૧.૮
અમરેલી ૪૧.૮
ગાંધીનગર ૪૧.૪
વડોદરા ૪૧.૪
અમદાવાદ ૪૧.૧
રાજકોટ ૪૦.૮
ડીસા ૪૦.૪
ભૂજ ૪૦.ર
કંડલા ૪૦.ર
ભાવનગર ૩૯.૯
સુરત ૩૯.૬
કેશોદ ૩૯.૯
Recent Comments