અમદાવાદ, તા.૯
સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ પણ તેના ભોગ બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે અમદાવાદમાં ૧૦ ડૉક્ટરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે શહેરમાં નેતાઓ, પોલીસકર્મીઓ, ડૉક્ટરો તેમજ નર્સોથી લઈને કોરોના વોરિયર્સ પણ તેમાં સપડાઈ ગયા છે જેમાં પોલીસકર્મીઓનાં મોત પણ નિપજ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કોરોનામાં અવસાન પામેલા બે પોલીસ જવાનના પરિવારને રાજ્ય સરકારની સહાયના રૂા.૨૫ લાખના ચેક અર્પણ કર્યા હતા. કોરોના વોરિયર્સને રાજ્ય સરકાર તરફથી મૃત્યુના કિસ્સામાં રૂા.૨૫ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ આજે સવારે પોલીસ કમિશનર કચેરી ખાતે કોરોનામાં અવસાન પામેલ ASI સ્વ ગોવિંદભાઈ બી.દાતણિયા અને હેડ કોન્સ્ટેબલ સ્વ.ભરતજી સોમાજી ઠાકોરના પરિવારના સભ્યોને રૂા.૨૫-૨૫ લાખના ચેક અર્પણ કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં અવસાન પામેલા કોરોના વોરિયર્સ કર્મચારીઓના પરિવારને રાહતની રકમ તત્કાલ મળી જાય તેવી સૂચના આપવામાં આવી છે. જેના પગલે બંને પોલીસ જવાનોના પરિવારને તત્કાલ ધોરણે ચેક અર્પણ કરી દેવામાં આવ્યા હતા.