(એજન્સી) તા.૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સુધારા કાયદા તથા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન અંગે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનના હ્યુમન રાઇટ્‌સ વોચે ગુરૂવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. નવા નાગરિકતા સુધારા કાયદા અને તેની નીતિઓને કારણે મુસ્લિમો વિરૂદ્ધ દેશમાં ભારે હિંસા ભડકી હતી. ૮૨ પાનાના રિપોર્ટમાં હ્યુમન રાઇટ્‌સ વોચે આ ખુલાસો કર્યો હતો.
તેમાં કહેવાયું છે કે, નાગરિકતા સુધારા કાયદા હેઠળ પણ રાષ્ટ્રવ્યાપી લોકોની નાગરિકતાની વેરીફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તેના કારણે દેશના કરોડો મુસ્લિમોની નાગરિકતા જોખમમાં મૂકાઈ શકે છે. અહેવાલમાં કહેવાયું છે કે, દેશમાં ડિસેમ્બર ૨૦૧૯માં પહેલીવાર હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે નાગરિકતા સુધારો કાયદો લાવ્યો અને તેના માધ્યમથી ધર્મના આધારે નાગરિકતા પર ભેદભાવ શરૂ થયો.
જે લોકો દેશમાં સરકારના આ ભેદભાવનો વિરોધ કરી રહ્યા હતા એવા લોકો પર સરકારના જ સમર્થકોએ હુમલા કરી દીધા અને એવા સમયે ખુદ પોલીસ અને તંત્ર બંને તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં લાચાર દેખાયા. દેશદ્રોહીને ગોળી મારો, નવા નાગરિકતા સુધારા કાયદાની નીતિઓ હેઠળ મુસ્લિમો સાથે ભેદભાવ એવા શીર્ષક હેઠળના ૮૨ પેજના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી.
જ્યારે એકબાજુ વડાપ્રધાન મોદી કોવિડ-૧૯ વિરૂદ્ધ લોકોને એકજૂટ થવા આહ્‌વાન કરતાં દેખાઈ રહ્યા છે ત્યારે એમણે મુસ્લિમ વિરૂદ્ધ હિંસા અને ભેદભાવ કરનારાઓ વિરૂદ્ધ એકજૂટ થવાનું આહ્‌વાન કરવાની પણ જરૂર છે. હ્યુમન રાઇટ્‌સ વોચના દક્ષિણ એશિયાના ડિરેક્ટર મીનાક્ષી ગાંગુલીએ આ ટિપ્પણી કરી હતી. સરકારે ટોળાકીય હિંસાઓ તથા પોલીસને નિષ્ક્રિય કરી દેતાં દેશભરમાં મુસ્લિમોને નિશાન બનાવવાની ઘટનાઓમાં ધરખમ વધારો નોંધાયો છે.