• ગુજરાતમાં ન્યુમોથોરેક્સ નામની નવી સમસ્યાના કેટલાક કેસ સામે આવ્યા
• વેન્ટિલેટરવાળા દર્દીઓને વધુ પ્રેશરથી ઓક્સિજન આપવાથી આવું થાય છે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૮
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં એક નવી જ સમસ્યા સામે આવી રહી છે. કોરોનાની સારવાર બાદ સાજા થઇ ઘરે પરત ફરેલા અમુક દર્દીઓમાં ફેફસામાં કાણું પડવાની સમસ્યા ઊભી થતા ડોક્ટરો અને વૈજ્ઞાનિકો માથું ખંજવાળતા થઈ ગયા છે. ગુજરાતમાં ન્યુમોથોરેક્સ નામની નવી સમસ્યાના કેટલાક કેસ સામે આવ્યા છે.
કોરોના વાયરસને કારણે ફેફસામાં ફાઇબ્રોસિસ થાય છે. એટલે કે, હવાની જગ્યામાં મ્યુકસની જાળ ફેલાય રહી છે. જ્યારે ફાઇબ્રોસિસની સંખ્યા વધે છે, એનો અર્થ એ છે કે ફેફસામાં છિદ્રની સમસ્યા છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં ગુજરાતમાં ન્યુમોથોરેક્સથી પીડિત દર્દીઓના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. આ લોકો ચારેક મહિના પહેલા કોરોનાથી સાજા થયા હતા. પરંતુ ફાઇબ્રોસિસ તેમના ફેફસામાં રહે છે. છાતીમાં તીવ્ર દુખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાને કારણે આ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં તેની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે જ્યારે કોરોનાને લીધે ફાઈબ્રોસિસ ફાટી નીકળે છે, ત્યારે ફેફસામાં ન્યુમોથોરેક્સ શરૂ થાય છે. ન્યુમોથોરેક્સમાં, ફેફસાંની બાહ્ય દિવાલો અને આંતરિક સ્તરો એટલા નબળા થઈ જાય છે કે તેઓ ઉપચારની ક્ષમતા ઘટાડે છે. આ કિસ્સામાં, ફેફસામાં છિદ્ર પડવાની સંભાવના સરળ બને છે. ન્યુમોથોરેક્સ દર્દીઓમાં છાતીમાં તીવ્ર દુખાવો, જડતા, શ્વાસ લેવામાં તકલીફ, હ્રદયના ધબકારામાં વધારો અને અપચો છે. ફાઇબ્રોસિસના કારણે ફેફસા પર આવતા લેયર પાતળા અને નબળા પડી જાય છે. ઇલાજ અને હીલિંગ દરમિયાન આ લેયર ફાટી જાય છે જેને લઇને આ સમસ્યા દર્દીમાં જોવા મળી રહી છે. કેટલાક ડોક્ટરોનું માનવું છે કે, ફેફસાને કવર કરનાર ૨ લેયર વચ્ચે ઘણીવાર હવા ભરાઇ જાય છે અથવા ઇન્જર્ડ થઇ જાય તો તેને ન્યુમોથોરેક્સ કહે છે. કોરોનાના જે દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમને વધુ પ્રેશરથી ઓક્સિજન આપવામાં આવતો હોય જેના કારણ આ સમસ્યા થાય છે.