અમદાવાદ, તા.૧૩
અમદાવાદના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં કોરોનાના આઠ દર્દીઓ જીવતા ભુંજાઈ ગયાની દર્દનાક ઘટનામાં ભાજપના અગ્રણી મુખ્ય આરોપી ભરત મહંતની ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી. દેશભરમાં ચકચાર મચાવનાર આ ગોઝારી દુર્ઘટનાના આરોપીને આજરોજ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે જજના નિવાસસ્થાને રજૂ કર્યો હતો. જો કે, કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા અને ભરત મહંતને રૂા.૧૫ હજારના જામીન પર મુક્ત કર્યો છે.
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં ૫ ઓગસ્ટની મધરાત્રિએ આઈસીયુ વોર્ડમાં આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ ૮ દર્દીના કમકમાટી ભર્યા મોત થયા હતા. આ મોત માટે નવરંગપુરા પોલીસે હોસ્પિટલના માત્ર એક જ ટ્રસ્ટી સામે બેદરકારીનો ગુનો દાખલ કરી સંતોષ માની લઈને વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસે ઘટનાને પાંચ દિવસ વિત્યા બાદ ફરિયાદ નોંધી હતી. હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે આઇપીસી ૩૩૬, ૩૩૭, ૩૩૮ અને ૩૦૪ અ મુજબ ગુનો દાખલ કરાયા બાદ ધરપકડ કરી હતી. જોકે કોઈ કાચું ન કપાય તે માટે અન્ય ડિવિઝનના એસીપીને આ તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીની તપાસમાં એવું સામે આવ્યું છે કે, ફાયર એક્સ્ટિગ્યુસર્સનો ઉપયોગ ફરજ પરના સ્ટાફે કર્યો ન હતો. કારણ કે, આ અંગેની તાલીમ તેઓને અપાઈ ન હતી. જે મુખ્ય સંચાલકની બેદરકારી પણ ગણી શકાય તેવુ માની પોલીસે ગુનો નોંધ્યો હતો. ઉત્તર અને દક્ષિણ આવેલી દીવાલો ફિટ કરવાથી આગનો ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો અને ફાયર એનઓસી ન હોવાના કારણે ફાયર ઓડિટ થઈ શક્યું નહોતું. ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે લોકોના જીવ ગયા હતા. હોસ્પિટલમાં ૮૬ ટકા હિસ્સો ભરત મહંતનો હોવાથી તેની સામે ગુનો નોંધાયો હતો.