(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૪
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસો વચ્ચે રાજ્યના મોટા શહેર અને કોરોનાના મુખ્ય હોટસ્પોટ એવા અમદાવાદના મ્યુનિ. કમિશનરે અમદાવાદની સ્થિતિને લઈ કરેલા ચેતવણીરૂપ નિવેદને રાજ્યભરમાં ભય સાથે ચર્ચા જગાવી છે. અમદાવાદમાં જે રીતે કેસો વધી રહ્યા છે. તે આગળ જતાં અત્યંત ખરાબ સ્થિતિનું નિર્માણ કરી શકે તેવો ભય તેમણે વ્યક્ત કર્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૯૧ નવા કેસોનો ઉછાળો બહાર આવ્યો છે. તેની સાથે રાજ્યમાં છેલ્લા સપ્તાહથી વધી રહેલ મરણના બનાવોનો સિલસિલો આજે પણ જારી રહેતાં રાજ્યમાં વધુ ૧પ વ્યક્તિઓના મૃત્યુ થવા પામેલ છે જેમાંના એક માત્રને બાદ કરતાં અન્ય તમામ ૧૪ મૃત્યુ એકલા અમદાવાદમાં નોંધાયા છે અને કુલ કેસમાંથી ૧૬૯ કેસ અમદાવાદમાં બહાર આવેલ છે તેના પરથી અમદાવાદની સ્થિતિનો ખ્યાલ આવી શકે છે.
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિનો અહેવાલ સતત રોજેરોજ બહાર આવી રહ્યો છે. તે જોતાં સમગ્ર રાજ્ય એક તરફ છે અને એકલું અમદાવાદ બીજી તરફ હોય તેમ સ્પષ્ટ જણાય છે જે રીતે અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે અને તેની સાથે કોરોનાને લીધે મોતના બનાવો બની રહ્યા છે તે અમદાવાદ ગંભીર સ્થિતિ ભણી આગળ વધી રહ્યું હોય તે દર્શાવે છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં પણ વધુ નવા ૧૯૧ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે જેમાં સૌથી વધુ ૧૬૯ કેસ એકલા અમદાવાદમાં નોંધાવવા પામ્યા છે તે પછી સુરતમાં આજે ઓછા કેસ નોંધાતા માત્ર ૬ કેસ અને વડોદરામાં નવા પાંચ કેસ બહાર આવ્યા છે. જો કે, આજે આણંદ અને પંચમહાલ જિલ્લામાં નવા કેસ જારી રહેતાં ૩-૩ કેસ બહાર આવ્યા છે. આજના નવા કેસો સાથે અમદાવાદમાં કુલ કોરોનાના કેસ ૧૮ર૧ થયેલ છે તો રાજ્યના કુલ કેસોનો આંક ર૮૧પ થવા પામ્યો છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનાને લીધે મૃત્યુ થવાના બનાવો છેલ્લા સપ્તાહથી ઘણા વધવા પામ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં જ રાજ્યમાં કુલ ૬રનાં મોત નિપજ્યા છે. ત્યારે તેનો સિલસિલો આજે પણ જારી રહેતા રાજ્યમાં વધુ ૧પ મોત થવા પામ્યા છે. જેમાંની ૧૪ વ્યક્તિઓના મૃત્યુ અમદાવાદમાં નોંધાવવા પામ્યા છે અને એક મોત સુરતમાં થવા પામેલ છે. આ ૧૪ પૈકી સાત દર્દીઓને કોરોના સિવાય અન્ય કોઈ બીમારી ન હતી જ્યારે અન્ય સાત દર્દીઓને હાયપર ટેન્શન, ડાયાબિટીસ તથા એકને હૃદયની બીમારી અગાઉથી હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવેલ છે. અમદાવાદના મૃત્યુમાં માત્ર ૧૭ વર્ષીય કિશોરીથી લઈને ૯૦ વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે. જ્યારે સુરતમાં પ૩ વર્ષીય યુવતીનું હાયપર ટેન્શન અને ડાયાબિટીસની અગાઉની બીમારી સાથે મૃત્યુ થયાનું હોસ્પિટલ સૂત્રો દ્વારા જણાવાયેલ છે. આ ૧૪ સાથે અમદાવાદમાં કુલ ૮૩નાં મોત થયા છે તો સુરતમાં એક મોત સાથે કુલ ૧૪નાં મોત અને રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧ર૭ થવા પામ્યો છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો સિલસિલો આજે પણ જારી રહેતાં વધુ સાત દર્દીઓ કોરોનામુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જેમાં આણંદ જિલ્લાના ચાર દર્દીઓ, સુરતના બે અને દાહોદ જિલ્લાનો એક દર્દી કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા મેળવી ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં કોરોનામુક્ત થવાનો કુલ આંક ર૬પ ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં આજના નવા કેસ સાથે કુલ ર૮૧પ પોઝિટિવ કેસ પૈકી ર૯ દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે અન્ય ર૩૯૪ દર્દીઓની સ્થિતિ સ્થિર (સ્ટેબલ) બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં ર૪ કલાકમાં કોરોના સંદર્ભે કરાતા સેમ્પલ ટેસ્ટની વિગતો સત્તાવાળાઓ તરફથી હવે જાહેર કરવામાં આવતી નથી. તેને બદલે અત્યાર સુધીના કુલ ટેસ્ટના આંકડા જ દર્શાવાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૮રર સેમ્પલ ટેસ્ટ હાથ ધરાયેલ છે. જે પૈકી ર૮૧પ પોઝિટિવ આવેલ છે અને ૪૧૦૦૭ નેગેટિવ આવેલ છે. રાજ્યમાં કુલ ૩૩,૭૩૪ લોકોને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જે પૈકી ૩૦૦૬૪ લોકો હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે.
રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ
વિસ્તાર કેસ
અમદાવાદ ૧૬૯
સુરત ૦૬
વડોદરા ૦૫
આણંદ ૦૩
પંચમહાલ ૦૩
ભાવનગર ૦૨
ગાંધીનગર ૦૧
બોટાદ ૦૧
વલસાડ ૦૧
કુલ ૧૯૧
ગુજરાત : કોરોના કહેર
જિલ્લો કેસ
અમદાવાદ ૧૮૨૧
સુરત ૪૬૨
વડોદરા ૨૨૩
રાજકોટ ૪૧
આણંદ ૩૬
ભાવનગર ૩૫
ભરૂચ ૨૯
ગાંધીનગર ૧૯
અરવલ્લી ૧૮
બનાસકાંઠા ૧૬
પાટણ ૧૫
પંચમહાલ ૧૫
નર્મદા ૧૨
બોટાદ ૧૨
છોટાઉદેપુર ૧૧
જિલ્લો કેસ
મહીસાગર ૦૯
મહેસાણા ૦૭
કચ્છ ૦૬
ખેડા ૦૫
વલસાડ ૦૫
દાહોદ ૦૪
પોરબંદર ૦૩
ગીરસોમનાથ ૦૩
સાબરકાંઠા ૦૩
જામનગર ૦૧
મોરબી ૦૧
તાપી ૦૧
નવસારી ૦૧
ડાંગ ૦૧
કુલ ૨૮૧૫
Recent Comments