અમદાવાદ, તા.ર૩
હાલ લોકડાઉન-૪માં સરકાર દ્વારા શરતોને આધીન કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. જેને પગલે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ઉદ્યોગ, ખાનગી ઓફિસો, ધંધા-રોજગાર ફરીથી ધબકતાં થવા લાગ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૩ લાખ જેટલા ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને તેને પરિણામે અંદાજે ૨૫ લાખ વ્યક્તિઓને રોજગારી મળી છે જેમાં શ્રમિકો, કામદારો અને કર્મચારી વર્ગ સામેલ છે એમ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે. રાજ્યમાં ૧૯મી મેથી લોકડાઉન-૪ લાગુ કરાયું છે. જેમાં કેટલીક શરતો અને નિયમોને આધીન વેપાર, ઉદ્યોગ અને ધંધા તેમજ પ્રોજેક્ટ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. આ અંગે વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, આઠ મહાનગર પાલિકા વિસ્તારોમાં ખાનગી બાંધકામના ર૬પ પ્રોજેક્ટ અત્યારસુધીમાં શરૂ થયા છે અને ર૧,રર૭ શ્રમિકો તેમાંથી રોજગારી મેળવતા થયા છે. ઉપરાંત ૮ મહાનગરો અને ર૪ જેટલી નગર પાલિકાઓમાં અત્યાર સુધી ૮૩૪ પ્રોજેક્ટ કાર્યરત થયા. આ પ્રોજેક્ટસમાં રપ,૮પપ શ્રમિકોને રોજગારી મળી રહી છે. આવા પ્રોજેક્ટસમાં ૧૮,૩૭૬ શ્રમિકોને બાંધકામ સ્થળે રહેવા-જમવા સહિતની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત ર૦ એપ્રિલથી નગરપાલિકા મહાપાલિકા હદ વિસ્તાર સિવાયના ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગો પુનઃકાર્યરત કરવાની છૂટ અપાઈ હતી જ્યારે રપમીથી એવા ઉદ્યોગો એકમો જેમની પાસે એક્સપોર્ટ ઓર્ડર હાથ પર હોય અને લોકડાઉનમાં કામગીરી અટકી હોય તેવા કન્ટેઈનમેન્ટ ઝોન બહારના વિસ્તારોના ઉદ્યોગોને શરૂ કરવા માટે પણ છૂટ અપાઈ છે. ઉપરાંત ૩મેથી ૧પ૬ નગરપાલિકા વિસ્તારોમાં પણ નિયમોના પાલન સાથે ઉદ્યોગો શરૂ કરવા દેવાની અનુમતિ આપવામાં આવી છે. ટૂંકમાં લોકડાઉન-૪ના આરંભ પૂર્વથી જ જનજીવન થાળે પાડવાની શરૂઆત થઈ ગઈ હતી જેમાં હવે ધીમે-ધીમે વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે.