(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૭
કોરોના સામે જંગ લડતી સુરત મ્યુનિ.ને હાલના સમયમાં બેવડો આર્થિક ફટકો પડી રહ્યો છે. કોરોના કારણે મ્યુનિ.ના વેરાની આવક બંધ છે તો બીજી તરફ શહેરમાં ઔદ્યોગિક શ્રમિકો તથા અન્યોને જમાડવા પાછળ રોજનો ૭૦ લાખથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. અત્યાર સુધીના લોક ડાઉનમાં મ્યુનિ.ને વિવિધ એન.જી.ઓ.નો સહકાર મળી રહ્યો હોવા છતાં આર્થિક ભારણમાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુનિ. તંત્ર બીજા તબક્કાનું લોક ડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં આ શ્રમિકોના ભોજન માટે અધધ કહી શકાય તેટલો ૨૫થી ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કોરોના પહેલા સુરત મહાનગરપાલિકાની આર્થિક હાલત માટે અનેક અટકળ થતી હોવાથી કરકસરયુક્ત વહિવટ માટે વાત થઈ રહી હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારના વેરાની વસુલાત આક્રમક કરીને મ્યુનિ.ની આર્થિક સ્થિતિ વધુ સધ્ધર બનાવવા માટે સુચના આપવામા આવતી હતી.મ્યુનિ. તંત્રએ વેરાની આવકમાં વધારો થાય તે માટે જાન્યુઆરી માસથી એકાદ બે તહેવાર બાદ કરીને રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં પણ વેરા વસુલાત ચાલુ રાખી હતી. મ્યુનિ. તંત્રની આર્થિક સ્થિતિ વચ્ચે કોરોનાનો અવરોધ આવી જતાં મ્યુનિ.ની વેરાની આવકમાં મોટો ફટકો પડ્‌યો છે.મ્યુનિ.ની વેરા વસુલાતની કામગીરી ડચકા ખાતી હતી. તે દરમિયાન કોરોના આવતાં લોકો લાઈનમાં ઉભા રહે તો ચેપ લાગે તેમ હોવાથી વેરા વસુલવાની કામગીરી બંધ કરવામા આવી છે.મ્યુનિ.ના વેરા વસુલાતની કામગીરી મંથરગતિમાં આવી ગઈ હોવા છતાં મ્યુનિ.એ શહેરમાં રહેતાં ઔદ્યોગિક શ્રમિકોની મુશ્કેલી દુર કરવા માટેની જવાબદારી આવી ગઈ છે. કોરાનાના લોક ડાઉનના કારણે ફસાયેલા છ લાખ કરતાં વધુ શ્રમિકોને બે સમય ભોજનની વ્યવસ્થા મ્યુનિ. તંત્રએ કરી રહ્યું છે.હાલના સમયે ૩૦૦ની આસપાસની એન.જી.ઓ પણ મ્યુનિ.ને આ કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. પરંતુ મ્યુનિ.ને બે લાખથી વધુ શ્રમિકોને જમાડવાનો ખર્ચ રોજનો ૭૦ લાખની આસપાસનો થઈ રહ્યો છે. લોક ડાઉન શરૂ કર્યું ત્યારથી આ આર્થિક ભારણ મ્યુનિ. તંત્ર ઉઠાવી રહી છે. ૩ મે સુધીના લોક ડાઉન દરમિયાન મ્યુનિ. તંત્રને ૨૫થી ૩૦ કરોડનું ભારણ આવી જશે. મ્યુનિ. તંત્રની વેરાની આવક બંધ અને આ ખર્ચ તથા આરોગ્યને લગતો ખર્ચ હોવાના કારણે મ્યુનિ. તંત્રનું આર્થિક ભારણ ઘણું વધી ગયું છે. મ્યુનિ. પર આર્થિક ભારણ હોવા છતાં પણ તંત્ર કોરોના સામ લડાઈ મક્કમતાથી લડતું હોય કેન્દ્ર સરકાર મ્યુનિ.ને સહાય કરે તેવી માગણી થઈ રહી છે.