(એજન્સી) જિનિવા, તા.૧૧
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચેતવણી આપતા કહ્યું કે, કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે લગાવેલા પ્રતિબંધોને હટાવવામાં જો ઉતાવળ કરવામાં આવશે તો તેના પરિણામ ખૂબ જ ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમ ધેબ્રેયાસસે જિનીવામાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, દરેક દેશની જેમ ડબલ્યુએચઓ પણ કોરોનાના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધો હટી જાય તેવું જોવા માટે ઈચ્છે છે. પરંતુ આ મામલે ઉતાવળ દર્શાવવામાં આવશે તો તેના પરિણામ ખૂબ જ ભયંકર આવી શકે છે. જો આ આપણે યોગ્ય રીતે આ મુશ્કેલી સામે નહીં લડીએ તો તેના ખૂબ માઠા પરિણામ આવી શકે છે.
વિદેશ તેમજ રાષ્ટ્રમંડળ મંત્રાલયમાં દક્ષિણ એશિયા તથા રાષ્ટ્રમંડળ કેસના રાજ્યમંત્રી લોર્ડ તારિક અહેમદનું કહેવું છે કે, બ્રિટન અને ભારત કોવિડ ૧૯ના ખતરા સામે લડવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. દવા મોકલવા માટે બ્રિટન સરકાર તરફથી હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરૂં છું. તેમણે કહ્યું કે, દરિયા મારફતે રવિવારના રોજ દવાનો જથ્થો અમારા સુધી પહોંચી ગયો હતો. નોંધનીય છે કે, દુનિયાભરમાં આ બીમારીના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા એક લાખને ઓળંગી ગઈ છે. ચીનમાં ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વના ૧૯૩ જેટલા દેશોમાં ૧૬,૪૯,૦૦૦થી વધારે લોકો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ચૂક્યા છે. ઈટાલીમાં પણ આ બીમારીના કારણે અત્યાર સુધીમાં ૧૮,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે.