(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
કોરોના મહામારીએ રાજ્યમાં હાહાકાર સર્જ્યો છે અને અનલોક-૧માં વેપાર-ધંધા ખુલવા સાથે મળેલી છૂટછાટને લઈ કોરોના વધુ વકરી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસોથી દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેમાં ત્રણેક દિવસથી તો વિસ્ફોટક પ્રમાણમાં કેસોનો આંક પ૦૦ની આસપાસ રહ્યો છે. ગતરોજ પ૧૦ કેસ બહાર આવ્યા બાદ આજે કોરોના પોઝિટિવના વધુ નવા ૪૯૮ કેસ બહાર આવ્યા છે. તેની સાથે મૃત્યુનું પ્રમાણ પણ સતત વધારા સાથે જારી રહેલ છે જેમાં છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ર૯ વ્યક્તિઓ કોરોનામાં મૃત્યુ પામી છે જ્યારે કોરોનામાંથી સાજા થવાની બાબતમાં ઘટાડો જારી રહેતા ર૪ કલાકમાં ૩૧૩ દર્દીઓ કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં અનલોક-૧ તા.૧લી જૂનથી શરૂ થયા બાદ જનજીવન ધબકતું થયું છે તો બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ પણ વધવા લાગ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અગાઉ ૩પ૦થી ૪૦૦ની વચ્ચે કેસોનો રેશિયો રહ્યા બાદ ૪૦૦થી ૪પ૦ વચ્ચે અને તે પછી ૪પ૦થી પ૦૦ વચ્ચે કેસો બહાર આવવા માંડયા છે જેમાં ગતરોજ તો પ૦૦ના આંકને પાર કરી દેતાં પ૧૦ કેસ નોંધાયા હતા. આમ કેસોના આંકડામાં આ રીતની સ્થિતિ જારી રહે તો આગળ જતાં સ્ફોટક બને તેમ જણાય છે. દરમિયાન છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ નવા ૪૯૮ કેસ કોરોના પોઝિટિવના બહાર આવ્યા છે જેમાં અમદાવાદમાં ર૮૯ કેસ નોંધાયા છે તે પછીના ક્રમે સુરતમાં પણ મોટાપાયે એવા ૯ર કેસ બહાર આવ્યા છે જ્યારે વડોદરામાં ૩૪, ગાંધીનગરમાં ર૦, રાજકોટમાં ૮, વલસાડમાં ૭, મહેસાણા-પાટણમાં ૬, સાબરકાંઠા-કચ્છમાં પ-પ કેસ, બનાસકાંઠા-પંચમહાલમાં ૪-૪, ભરૂચ-છોટાઉદેપુરમાં ૩-૩, અરવલ્લી-આણંદ-ભાવનગર-ખેડા-ગીર-સોમનાથ-નવસારીમાં ર-ર કેસ નોંધાયેલ છે. આમ રાજ્યમાં સિંગલ કેસ એક પણ જિલ્લામાં નોંધાયેલ નથી. રાજ્યમાં કુલ કોરોના કેસોનો આંક ૧૯,૬૧૭એ પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં આજના ર૮૯ કેસ સાથે કુલ કેસ ૧૩,૯૬૭ થવા પામ્યા છે. રાજ્યમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ પણ એ જ રીતે યથાવત્‌ રહેલ છે. ર૪ કલાકમાં વધુ ર૯ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેટી છે. જેમાં અમદાવાદમાં ર૬ વ્યક્તિઓ તથા સુરતમાં બે અને વડોદરામાં એક વ્યક્તિનું કોરોનામાં દુઃખદ અવસાન થયેલ છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં કુલ ૧ર૧૯ લોકોનાં મૃત્યુ થયા છે, તો અમદાવાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૦૦૦ને નજીક પહોંચી જતા ૯૯૪ થવા પામેલ છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી દર્દીઓ સાજા થવાના મામલે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૩૧૩ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થતાં ઘરે જવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદના ર૧૦ દર્દીઓ, સુરતમાં ૩પ, વડોદરામાં ર૩, સાબરકાંઠામાં ૧૦, ગાંધીનગર-મહિસાગરમાં ૯-૯ દર્દીઓ, વલસાડમાં ૪, બનાસકાંઠા-મહેસાણામાં ૩-૩, અમરેલીમાં ર તેમજ કચ્છ-જામનગર-ભાવનગર-ખેડા અને પાટણમાં ૧-૧ દર્દી સાજા થઈને ઘરે જવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં કુલ ૧૩,૩ર૪ લોકો કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસો પૈકી ૬૧ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે પ૦૧૩ની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં આજ સુધીમાં કુલ ર,૧૬,૧૩૦ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ર,૦૯,૩૯૧ને હોમ ક્વોરન્ટાઈનમાં અને ૬૭૩૯ને ફેસિલિટી ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવેલ છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ ૨૮૯
સુરત ૯૨
વડોદરા ૩૪
ગાંધીનગર ૨૦
રાજકોટ ૦૮
વલસાડ ૦૭
મહેસાણા ૦૬
પાટણ ૦૬
સાબરકાંઠા ૦૫
કચ્છ ૦૫
બનાસકાંઠા ૦૪
પંચમહાલ ૦૪
ભરૂચ ૦૩
છોટાઉદેપુર ૦૩
ભાવનગર ૦૨
અરવલ્લી ૦૨
આણંદ ૦૨
ખેડા ૦૨
ગીર-સોમનાથ ૦૨
નવસારી ૦૨
કુલ ૪૯૮