જો કે માસ્કની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.રર
રાજયમાં કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમણ ઓછું થવાને લઈ કેસો ઘટી રહ્યા છે. ત્યારે તેને લઈને હવે રાજય સરકાર વધુ છુટછાટ આપવા જઈ રહી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં ખુલ્લા મેદાનોમાં લગ્ન સહિતના કોઈપણ કાર્યક્રમોમાં વ્યકિતઓની સંખ્યાની મર્યાદા કાઢી નાખવાનો નિર્ણય લીધો છે. જો કે આવા કાર્યક્રમોમાં માસ્ક પહેરવા સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે સરકારે લીધેલા મહત્વના નિર્ણયો અંગે જાહેરાત કરાઈ હતી. જેમાં સીએમ રૂપાણીએ સૌથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે તો કોઈ પણ પ્રકારની લિમિટ રાખવામાં આવી નથી. પ્રસંગ યોજનાર ગમે તેટલી વ્યક્તિઓને આંમત્રિત કરી શકે છે. પરંતુ માસ્ક રહેવું ફરજીયાત છે. તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ખુલ્લા કે જાહેર મોટા મેદાનમાં સંખ્યાની મર્યાદાની ગાઈડલાઈન રહેશે નહી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં ૧૦૦ લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ૨૦૦ લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી. આ સાથે જ એવું કહી શકાય કે રાજ્યના લોકો જો ખુલ્લામાં મંડપ નાંખીને કોઈ પણ કાર્યક્રમ કરે તો તેમાં કોઈ મર્યાદા નહીં નડે. સીએમ રૂપાણીએ કોરોના નિયમોને ભંગ કયારે કહેવાય તે વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય, માસ્ક ન પહેર્યું હોય તો ગાઇડ લાઇનનો ભંગ કહેવાય. આપણે માસ્ક માટે દંડ લઈએ છીએ. બીજો કોઈ દંડ લેતા નથી. માટે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી લીધેલા નિર્ણયો જણાવ્યા હતા. જેમાં રૂપાણીની સાથે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ એસીબીના વડા કેશવકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.