ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામને બે દિવસમાં કોરોનાની સ્થિતિ અંગેનો અહેવાલ સુપરત કરવા સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપતાં કહ્યું ‘જો રાજ્યો
યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો ડિસેમ્બરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે’
ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે છતાં લગ્નો અને મેળાવડાઓ માટે મંજૂરી આપવામાં આવી રહી છે : રૂપાણી સરકારની ઝાટકણી
કાઢતી દેશની ટોચની અદાલત : ૨૭મીએ વધુ સુનાવણી હાથ ધરાશે

 

(એજન્સી) નવી દિલ્હી,તા.૨૩
દેશમાં જેવી રીતે ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે, તેના પર સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા મામલા અને કોરોનાથી મૃત્યુ પામનારાના મૃતદેહ સાથે મિસહેન્ડલિંગ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં આ સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ સરકાર પાસે કોરોના સંક્રમણની હાજર સ્થિતિથી નિપટવા માટે શું પગલાં ભર્યાં તેની જાણકારી માંગી છે. કોર્ટે આ રાજ્યો પાસે સમગ્ર મામલે સોગંધનામું દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી બેંચે ગુજરાત અને દિલ્હી સરકારને કોરોના સંક્રમણને પગલે ખરાબ થયેલી સ્થિતિને લઈ ફટકાર લગાવી છે. ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. જસ્ટિસ શાહે કહ્યું કે, કોરોના સંક્રમણના વધતા કેસ છતા ગુજરાતમાં લગ્ન, સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં છૂટ આપવામાં આવી છે. અહીંયા દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે. તમારી પોલિસી શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે? દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમપી શાહની બનેલી ખંડપીઠે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો મામલે ગુજરાત સહિતના ચાર રાજ્યો સામે લાલઆંખ કરી હતી અને આ રાજ્યો પાસે જવાબ માંગ્યો હતો કે, કોરોનાને નિયંત્રિત કરવા તેમના દ્વારા શું પગલાં ભરવામાં આવ્યા છે? ઉપરાંત કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામને બે દિવસમાં કોરોનાની સ્થિતિ અંગે અહેવાલ સુપરત કરવા તાકીદ કરી હતી. અદાલત દ્વારા આ મામલે આગામી ૨૭મી નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
બીજી તરફ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલપ્રદેશમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે.
કેન્દ્ર સરકારે આ ચેપના મુકાબલા માટે ગઈકાલે ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં નિષ્ણાતોની ટીમ મોકલી હતી.
કેટલાક દિવસો અગાઉ ગુજરાત, હરિયાણા, છતીસગઢ અને રાજસ્થાનમાં પણ આવી ટીમો મોકલવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે તામમ રાજ્યો પાસે કોરોનાના માટે ઉઠાવવામાં આવેલાં પગલાંની જાણકારી માંગી છે. અને એક સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે આગામી સમયમાં રાજ્ય શું પગલાં ઉઠાવશે અને તેમને કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકાર પાસેથી શું મદદ જોઈશે તેનો રિપોર્ટ દાખલ કરે. કોર્ટે રાજ્યોને બે દિવસમાં રિપોર્ટ જમા કરાવવા કહ્યું છે. સાથે જ કોર્ટે કહ્યું કે રાજ્યોએ ડિસેમ્બર અને આગામી મહિના માટે તૈયાર રહેવાની જરૂરત છે કેમ કે સ્થિતિ વધુ બગડી શકે છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કોવિડ-૧૯ના કેસો વધુ હોવા છતાંય લગ્ન અને મેળાવડાઓને મંજૂરી કેમ આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત ઉપરાંત દિલ્હી રાજ્ય સરકારનો પણ કાન પકડતા કહ્યું કે દેશની રાજધાનીમાં જ જો સ્થિતિ બેકાબૂ હોય તો પછી અન્ય વિસ્તારોમાં શું હશે તેની અમે કલ્પના નથી કરી શકતા. દિલ્હીમાં બગડી રહેલી કોરોના સ્થિતિને લઈને રાજ્ય સરકારે શું પગલા ભર્યા છે તે અંગે જવાબ આપવા માટે કહ્યું છે.
મહત્વનું છે કે રાજધાની દિલ્હીમાં રવિવારે ૬૭૪૬ લોકોનાં મોત થયાં. ૬૧૫૪ લોકો સાજા થયા અને ૧૨૧ લોકોનાં મોત થયા હતા. મોતનો આ આંકડો દેશમાં સૌથી વધુ રહ્યો. આ કેસમાં ૫૦ લોકોનાં મોતની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું હતું. મહારાષ્ટ્રમાં આ આંકડો ૧૫ મે પછી સૌથી ઓછો છે. ત્યારે અહીં ૪૯ લોકોનાં મોત થયાં હતાં. દિલ્હીમાં આ પહેલાં ૧૮ નવેમ્બરે સૌથી વધુ ૧૩૧ દર્દીનાં મોત થયાં હતાં.