ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં મંત્રીઓને કાર્યકરોની વ્યથા સાંભળવા બોલાવવાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આદેશ બાદ મંત્રીઓ કમલમમાં આવવા લાગતા કાર્યકરોનો જમાવડો થવા લાગ્યો હતો. જો કે, ભાજપના પ્રવકતા ભરત પંડ્યા સહિતના સાતેક આગેવાનો ઉપરાંત ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરોનાના કેસો આવ્યા બાદ પક્ષ દ્વારા કમલમમાં આવવા કડક નિયંત્રણો લાદી દેવાયા છે અને કામ સિવાયની વ્યક્તિઓને પ્રવેશ આપવાનું બંધ કરાતા કમલમમાં પુનઃ લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે.