(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૦
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને વિવિધ દેશોની સરકારો તેની સામે બાથ ભીડવા મથામણો કરી રહી છે ત્યારે છેલ્લા સપ્તાહથી દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. ગતરોજ રાજ્યમાં એક જ દિવસમાં વિસ્ફોટક પ્રમાણમાં ૭૬થી વધુ કેસો બહાર આવ્યા બાદ આજે તેનાથી પણ વધુ વિસ્ફોટક પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા છે. અમદાવાદમાં પપ અને વડોદરામાં ૩૭ સહિત રાજ્યમાં નવા ૧૧૬ કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. આ સાથે કુલ કેસોનો આંક ૩૭૮ પર પહોંચ્યો છે જ્યારે કોરોનાને લીધે રાજ્યમાં આજે વધુ બે વ્યક્તિઓના મરણ થતાં કુલ મૃત્યુઆંક ૧૯ થવા પામ્યો છે તો આ સાથે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનું પણ પ્રમાણ જારી રહેતાં વધુ સાત દર્દી સાજા થયેલ છે. જેથી ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા ૩૩ થવા પામી છે. રાજ્યભરમાં કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે અને તેમાં પણ છેલ્લા એક સપ્તાહથી તો વધારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એટલે કે, કોરોના પોઝિટિવ કેસોનો આંક સતત ઉછાળા મારતો વધી રહ્યો છે. જેમાં ગતરોજ તો અમદાવાદના પ૮ સહિત રાજ્યમાં ૭૬ કેસ નોંધાયા હતા તેમાં આજે વધુ ઉછાળાભરી સ્થિતિ દર્શાવતા કોરોના પોઝિટિવના કેસો બહાર આવ્યા છે. આજે અમદાવાદની સાથે વડોદરા પણ કેસોમાં આગળ રહેવા પામ્યું છે. વડોદરામાં આજે ૩૭ કેસો અને અમદાવાદમાં પપ કેસ સાથે રાજ્યમાં આજે નવા ૧૧૬ કેસ નોંધાયા હતા એટલે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક હવે ૩૭૮ પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના લીધે આજે વધુ બે વ્યક્તિઓના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે સારવાર લઈ રહેલ ૮૧ વર્ષીય વૃદ્ધનું આજે મોત થયું છે. તેમને ડાયાબિટીસ અને હાયપરટેન્શનની અગાઉથી બીમારી હોવાનું હોસ્પિટલ વર્તુળો તરફથી જણાવ્યું છે. આ દર્દી ગાંધીનગરમાં વિદેશથી આવી પરિવારને ચેપ લગાડનાર ઉમંગના દાદા હોવાનું જણાવાયું છે. આ મોતનો ગાંધીનગરમાં પ્રથમ બનાવ છે. જ્યારે બીજું મોત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૪૦ વર્ષીય યુવાનનું થયેલ છે. આ યુવાનને અગાઉથી કીડનીની બીમારી હોવાનું હોસ્પિટલ વર્તુળો દ્વારા જણાવાયું છે. આમ આજના આ બે મોત સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૯ થયેલ છે અને અમદાવાદમાં મૃતાંક ૭ થયો છે. રાજ્યમાં આજે વધુ એક જિલ્લા ભરૂચમાં કોરોનાએ એન્ટ્રી લેતાં એકી સાથે સાત કેસ નોંધાયા છે. આમોદ તાલુકાના ઈખર જેવા નાના ગામમાં ચાર કેસ નોંધાતા વિસ્તારમાં ભય ફેલાવવા પામ્યો છે. જ્યારે કોરોનાની ભયાવહ સ્થિતિમાં રાહત આપતાં સમાચારોમાં તેના દર્દીઓ જે સાજા થઈને પરત ઘરે આવી રહ્યા તે છે જેમાં આજે વધુ સાત કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થવા પામ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૬પ વર્ષીય મહિલા સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે અને એસવીપી હોસ્પિટલમાંથી પ૯ વર્ષીય યુવતીને પણ રજા અપાઈ છે તો ગાંધીનગર સિવિલમાંથી ૮૦ વર્ષીય વૃદ્ધાને કોરોના નેગેટિવ આવતા રજા અપાઈ છે. એ જ રીતે ગાંધીનગરની ૩ર વર્ષીય યુવતીને પણ રજા અપાઈ છે જ્યારે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાંથી ર૭ વર્ષના યુવાનને અને પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ સાજા થયેલ ૪૮ વર્ષીય યુવતીને રજા આપવામાં આવી છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાંથી ૬૬ વર્ષીય પુરૂષને પણ રજા અપા છે. આમ આજે વધુ ૭ જણા ડિસ્ચાર્જ થતાં કોરોનામાંથી સાજા થનારાનો આંક રાજ્યમાં કુલ ૩૩ થવા પામ્યો છે. બીજી તરફ આજે કેસોના વધારા સાથે અમદાવાદના કુલ કેસો ૧૯૭ અને વડોદરામાં પ૯ થયા છે તો સુરતમાં ર૭, ભાવનગરમાં રરનો આંક થયો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧પ૧૯ સેમ્પલના લેબ ટેસ્ટ હાથ ધરાયા હતા તેમાં ૧૧૬ પોઝિટિવ અને ૧૩૦૦ નેગેટિવ આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૭૭૧૮ સેમ્પલ ટેસ્ટ કરાયેલ છે જેમાં ૩૭૮ પોઝિટિવ, ૭ર૩૭ નેગેટિવ આવેલ છે જ્યારે ૧૦૩ના રિપોર્ટ હજુ પેન્ડીંગ છે. આ સેમ્પલ ટેસ્ટના આંકડા પરથી પણ જણાય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં સેમ્પલ ટેસ્ટનું પ્રમાણ અગાઉ કરતાં વધ્યું છે. રાજ્યભરમાં કુલ ૧ર૩પર લોકોને કોરોનાને લઈ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવેલ છે જેમાંથી ૧૧૦૧પ લોકો હોમ ક્વોરન્ટાઈનમાં, ૧૧૭૦ સરકારી ફેસેલિટી ખાતે અને ૧૬૭ને ખાનગી ફેસેલિટી ખાતે ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજે પણ બહાર આવેલ કેસોમાં બધા જ લોકલ ટ્રાન્સમિશન ચેપના હોઈ હવે કોરોના ભયજનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. રાજ્યના કુલ ૩૭૮ પૈકી ૩૧૩ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૧પપ કેસ છે. કોરોનામાં મરણના મામલામાં પણ સૌથી વધુ લોકલ ટ્રાન્સમિશન ચેપના ૧૩ દર્દીના મોત થયેલ છે. લોકલ ટ્રાન્સમિશનના વધતા કેસોને પગલે સરકારી તંત્ર દ્વારા વધુ કેસોના વિસ્તારમાં કલસ્ટર કન્ટેન્મેન્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કુલ રર કલસ્ટર કન્ટેન્મેન્ટમાં ૧૩૮ ટીમો સઘન સર્વે વગેરેની કામગીરી કરી રહી છે. આમ આ પાંચ શહેરની એક લાખ જેટલી વસ્તીને કલસ્ટર કન્ટેન્મેન્ટ હેઠળ આવરી લેવામાં આવી છે.

ગુજરાતમાં ક્યાં કેટલા કેસ ?

શહેર કેસ
અમદાવાદ ૧૯૭
વડોદરા ૫૯
સુરત ૨૭
ભાવનગર ૨૨
રાજકોટ ૧૮
ગાંધીનગર ૧૪
પાટણ ૧૪
ભરૂચ ૦૭
કચ્છ ૦૪
પોરબંદર ૦૩
શહેર કેસ
મહેસાણા ૦૨
ગીરસોમનાથ ૦૨
આણંદ ૦૨
છોટાઉદેપુર ૦૨
પંચમહાલ ૦૧
જામનગર ૦૧
મોરબી ૦૧
સાબરકાંઠા ૦૧
દાહોદ ૦૧
કુલ ૩૭૮