(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર,તા.ર૪

રાજયમાં કોરોનાનો કહેર યથાવત રીતે જારી રહેતા રાજયના તમામ જિલ્લામાં કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં પાંચથી સાત જિલ્લાઓમાં તો કેસોનો વધારો જારી રહેલ હોઈ રોજેરોજના વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. ર૪ કલાકમાં રાજયભરમાં વધુ નવા ૧૦૬૭ કોરોનાના  કેસ બહાર આવ્યા છે. એટલે કે ગતરોજ અને આજે કેસોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા  થનારા દર્દીઓ પણ  લગભગ નવા કેસો જેટલી જ સંખ્યામાં નોંધાયા છે. નવા ૧૦૬૭ કેસ સામે ૧૦ર૧ દર્દી સાજા થવા પામ્યા છે. જયારે કોરોનામાં મૃત્યુનું પ્રમાણ  યથાવત રહેતા આજે વધુ ૧૩ વ્યકિતઓ મોતને ભેટી છે. રાજયમાં કોરોના ટેસ્ટનો વધારો પણ જારી રહેતા ર૪ કલાકમાં ૬૩૭૬પ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજયનો કોરોનાનો રિકવરી રેટ આજે ૮૦ ટકા પર સ્થિર રહ્યો હતો. કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તર તરફ આગળ વધી રહી છે. આજે રાજ્યમાં કોરાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૦૬૭ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૮૭,૮૪૬એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં ૧૩ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૨૯૧૦એ પહોંચ્યો છે. ગત બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસ ૩૦૦થી વધુ આવી રહ્યા છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૫૯, અમદાવાદ કોર્પોરેશન ૧૫૧, વડોદરા કોર્પોરેશન ૮૮, જામનગર કોર્પોરેશન ૭૭, સુરત ૭૦, રાજકોટ કોર્પોરેશન ૬૭, વડોદરા ૩૨, રાજકોટ ૩૧, ભાવનગર કોર્પોરેશન ૩૦, પંચમહાલ ૨૭, કચ્છ ૨૫, ગીર-સોમનાથ ૨૦, ભાવનગર ૧૯, મોરબી ૧૭, અમરેલી ૧૬, ગાંધીનગર ૧૬, અમદાવાદ ૧૪, બનાસકાંઠા ૧૪, ભરૂચ ૧૪, મહેસાણા ૧૪ તેમજ અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૩ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશનમાં પ, રાજકોટ કોર્પોરેશન ૨, વડોદરા કોર્પોરેશન ૨, ભાવનગર કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો, આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૩ લોકોનાં મોત નિપજ્યા છે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૨૯૧૦એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૭૦,૨૫૦ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના ૧૪,૬૮૬ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૫ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૪,૬૧૧ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ ૬૧ લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટિજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના ૬૩,૦૬૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો ૧૮,૧૯,૧૯૮ પર પહોંચ્યો છે.