(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૧
કોરોના…કોરોનાના… શબ્દો છેલ્લા પાંચ માસ કરતા વધુ સમયથી રાજ્યના લોકોના માનસ ઉપર એવા છવાઈ ગયા છે કે, હવે તો કોરોનાના નામથી જ લોકો ત્રસ્ત થઈ ગયા છે. રોજેરોજ કોરોનાના વધતા કેસો અને તેમાં થઈ રહેલ મોત લોકોમાં ચિંતા ઊભી કરી રહેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ નવા ૧ર૮૦ કેસ બહાર આવ્યા છે જેમાં આજે પણ સૌથી વધુ કેસોમાં સુરત ટોપ પર રહ્યું છે. કોરોનામાં મોતનો સિલસિલો યથાવત્‌ રીતે જારી રહેતા આજે વધુ ૧૪ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેટી છે. જ્યારે કોરોનામાંથી સાજા થનારા દર્દીઓનો વધુ આંક રાહત પહોંચાડે છે. ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ૧૦રપ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે જેને પગલે રાજ્યનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૦.૬૬ ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા રાજ્યમાં કોરોના ટેસ્ટનું વધુ પ્રમાણ જારી રાખવામાં આવેલ છે જેમાં આજે ૬૬,૩૬૩ કોરોના ટેસ્ટ કરાયા હતા.
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે આગળ વધી રહી છે. આજે રાજ્યમાં કોરાનાના ટેસ્ટ આંશિક ઘટાડવા છતાં કેસમાં વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતાં કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૨૮૦ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૯૬,૪૩૫એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૪ દર્દીઓએ દમ તોડતા કૂલ મૃત્યુઆંક વધીને ૩૦૨૨એ પહોંચ્યો છે.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૧, અમદાવાદ કોર્પોરેશન ૧૪૭, વડોદરા કોર્પોરેશન ૯૩, જામનગર કોર્પોરેશન ૯૧, સુરત ૮૬, રાજકોટ કોર્પોરેશન ૮૪, પંચમહાલ ૩૯, વડોદરા ૩૫, રાજકોટ ૩૪, અમરેલી ૩૦, મહેસાણા ૨૯, મોરબી ૨૮, અમદાવાદ ૨૬, ભાવનગર કોર્પોરેશન ૨૬, પાટણ ૨૫, જામનગર ૨૩, સુરેન્દ્રનગર ૨૧, આણંદ ૨૦, ભરૂચ ૨૦, ગાંધીનગર કોર્પોરેશન ૨૦, કચ્છ ૨૦, બનાસકાંઠા ૧૮, જૂનાગઢ કોર્પોરેશન ૧૮ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૭ જેટલા કેસ નોંધાવવા પામ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયા મુજબ અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૩, ભાવનગર કોર્પોરેશન ૨, રાજકોટ ૨, ગાંધીનગર કોર્પોરેશન ૧, જામનગર કોર્પોરેશન ૧, રાજકોટ કોર્પોરેશન ૧, વડોદરા કોપોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો. આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૪ લોકોનાં મોત નિપજ્યા છે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૦૨૨એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૭૭,૭૮૨ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ કેસમાંથી ૧૫,૬૩૧ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૯ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૫૫૨ની સ્થિતિ સરકારી તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના ટેસ્ટ વધવાને પગલે અત્યાર સુધીમાં કુલ ર૩.૩૧ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.