(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
કોરોના અંગે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા હોમ આઈસોલેશન માટે અગાઉ માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી જેમાં હવે કોરોના એસિમ્પ્ટોમેટિકના લક્ષણો ધરાવતા કેસોમાં વધારો થતાં આ માર્ગદર્શિકામાં કેટલાક સુધારા-વધારા કરવામાં આવ્યા છે જેમાં દર્દીની સંભાળ માટે ર૪ કલાક એક વ્યક્તિ હાજર રાખવા અને દર્દી તથા હોસ્પિટલ વચ્ચે યોગ્ય કોમ્યુનિકેશન અનિવાર્ય હોવાનું જણાવાયું છે. આ માર્ગદર્શિકામાં વિવિધ બાબતો આવરી લેતી જાહેરાત કરાઈ છે. નવી જાહેર કરાયેલી માર્ગદર્શિકાના મહત્ત્વના મુદ્દાઓમાં સૌપ્રથમ દર્દીઓના હોમ આઈસોલેશન માટે કેટલાક ધોરણો નક્કી કરાયા છે જેમાં સારવાર કરતાં મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને એસિમ્પ્ટોમેટિક/ વેરી માઈલ્ડ સિમ્પ્ટોમેટિક અને પ્રિ-સિમ્પ્ટોમેટિક તરીકે દર્શાવવામાં આવ્યો હોય. દર્દી પાસે ઘરે આઈસોલેશન માટેની સુવિધા હોવી જોઈએ તથા તેના સંપર્કમાં આવતા લોકો માટે પણ આઈસોલેશન સુવિધા હોવી અનિવાર્ય છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ HIV, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર થેરેપીના દર્દીઓને હોમ આઈસોલેશનની મંજૂરી આપવામાં આવતી નથી. ૬૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધ દર્દીઓ અને હાયપરટેન્શન, ડાયાબિટીઝ, હૃદયરોગ, કિડની જેવા રોગ ધરાવતા દર્દીઓને સારવાર કરતાં તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઈસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે. દર્દી સેલ્ફ આઈસોલેશન (જોડાણ-૧)માં દર્શાવેલ બાંહેધરી પત્ર ભરશે અને હોમ ક્વોરન્ટાઈન માર્ગદર્શિકાઓનું પાલન કરશે. સારવાર આપતા ડૉક્ટરને હોમ આઈસોલેશન માટે મંજૂરી આપતા પહેલાં તમામ બાબતો અંગે સંતોષ થવો હોવો જોઈએ.
દર્દીમાં જો નીચે દર્શાવેલ લક્ષણો જણાય તો તાત્કાલિક તેને મેડિકલ સારવાર આપવાની રહેશે.
કોરોનાગ્રસ્ત દર્દીને શ્વાસ લેવામાં તફલીફ, શરીરમાં ઓક્સિજનનુ સ્તર ૯૫%થી ઓછું થાય, છાતીમાં દુખાવો, માનસિક મુંઝવણ અથવા સજાગતાનો અભાવ, અસ્પષ્ટ અવાજ, કોઈપણ અંગ અથવા ચહેરામાં નબળાઈ કે નિષ્ક્રિયતા, હોઠ/ચહેરાની વાદળી રંગ જણાય.
સરકારી તંત્ર માટે જારી કરાયેલ સૂચનાઓમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની તબિયતની સ્થિતિનું કોલ સેન્ટર દૈનિક ધોરણે ફોલોઅપ કરશે તેમજ ફીલ્ડ સ્ટાફ/સર્વેલન્સ ટીમો વ્યક્તિગત રીતે દર્દીની પરિસ્થિતિની જાણકારી મેળવશે. સાથે જ દર્દીના કેર ટેકરને પણ ફિલ્ડ સ્ટાફ દ્વારા સૂચનાઓ આપવામાં આવશે જેનું કડકપણે પાલન કરવાનું રહશે. ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સુધારેલ હોમ આઈસોલેશન માર્ગદર્શિકા પ્રમાણે હોમ આઈસોલેશન હેઠળ રહેલા દર્દીને લક્ષણોના શરૂઆતના ૧૦ દિવસમાં જો ૩ દિવસ સુધી તાવ ન આવે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. ત્યારબાદ દર્દીને સલાહ આપવામાં આવશે કે, હોમ આઈશોલેશન થઈને વધુ ૭ દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું. હોમ આઈસોલેશનનો સમય સમાપ્ત થયા પછી પરીક્ષણની જરૂર નથી. કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાં હોય અથવા કોરોનાગ્રસ્ત હોય તેવા દર્દીઓએ નિયત સમયગાળા માટે સેલ્ફ આઈશોલેશન જાળવવા માટે બાંહેધરી આપવાની રહેશે. હોમ આઈસોલેશન વખતે દર્દીઓ માટે ખાસ સૂચનાઓ જારી કરાઈ છે જેમાં દર્દીએ હંમેશાં ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે. દર્દીએ નક્કી કરેલા રૂમમાં ઘરના અન્ય લોકોથી દૂર રહેવું જોઈએ, ખાસ કરીને વડીલો અને હાયપરટેન્શન, રેનલ ડિસીઝ જેવા સહ-રોગની સ્થિતિ ધરાવતા લોકોથી દૂર રહેવું જોઈએ. પોતાની અંગત વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવી જોઈએ નહીં. માર્ગદર્શિકા પ્રમાણે દર્દીની સાર સંભાળ રાખનાર માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે જે પ્રમાણે દર્દી સાથે દેખરેખ રાખનાર વ્યક્તિ એક જ રૂમમાં હોય ત્યારે સંભાળ રાખનાર માટે ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક પહેરવા સહિતની ખાસ સૂચનાઓ જારી કરાઈ છે. દર્દીની સાર સંભાળ રાખનાર અને તેની નજીક રહેનાર તમામ વ્યક્તિઓએ દૈનિક તાપમાન માપીને સ્વાસ્થ્યનું સ્વયં-નિરીક્ષણ કરવાનું રહેશે અને જો તેઓ કોવિડ-૧૯ના તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક જાણ કરવાની રહેશે.