(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧પ
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ગણપતભાઈ મકવાણા નામના વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની લાશ દાણીલીમડા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી રઝળતી હાલતમાં મળી આવવાની ઘટનાની ગંભીર નોંધ લઈ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હીએ માનવ અધિકાર ભંગની આ ફરિયાદમાં અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટને નોટિસ ફટકારી ચાર અઠવાડિયામાં જવાબ આપવા જણાવતા ચકચાર મચી ગઈ છે.
આ ઘટનાની વિગત એમ છે કે દાણીલીમડામાં રોહિતપાર્કમાં રહેતા ૬૭ વર્ષના ગણપતભાઈ મકવાણાને ૧૦મેના રોજ શ્વાસની તકલીફ થતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને સીધા કોરોના વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવાઈ હતી. મરનારના પુત્ર કિર્તી મકવાણાના જણાવ્યા મુજબ બે ત્રણ દિવસ સુધી તો તેમને તેમના પિતાની તબિયત અંગે કોઈ જ માહિતી મળી ન હતી. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિ.ના કર્મચારીઓ ઘરે ક્વોરન્ટાઈન બોર્ડ લગાવી તમામને ઘરમાં રહેવા સુચના આપી જતા રહ્યા હતા.
દરમ્યાન પાંચ દિવસ બાદ એટલે કે ૧પમીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા સ્વજનની લાશ વી.એસ. હોસ્પિટલમાં છે. આવીને લઈ જાઓ. વધુ પૂછતા પોલીસે કહ્યું હતું કે તમારા પિતાની બિનવારસી લાશ દાણીલીમડા બીઆરટીએસ બસ સ્ટેશનમાંથી મળી આવી છે. આમ પરિવારજનોનો આક્ષેપ હતો કે સિવિલ હોસ્પિટલમાં સારવારથી લઈ કોરોનાના દર્દીના મૃતદેહના નિકાલ સુધી લોલમલોલ ચાલતું હતું. આ ઘટના અંગે મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતાં તપાસનો આદેશ અપાયો હતો.
દરમ્યાન આ અંગે કાંતિલાલ પરમાર નામના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હીમાં ફરિયાદ કરતા આયોગે ઘટનાની ગંભીર નોંધ લઈ માનવ અધિકાર ભંગની ફરિયાદમાં અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટને નોટિસ ફટકારી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.