ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ઈટાલી, આયર્લેન્ડ, જર્મર્ની, ફ્રાન્સ અને નેધરલેન્ડે રવિવારે જ પ્રતિબંધની જાહેરાત કરી હતી, જ્યારે ઈઝરાયેલ, તુર્કી અને સઉદી અરબે સોમવારે બ્રિટન પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો હતો

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે ભારત સરકાર એલર્ટ, લોકોએ ભયભીત થવાની કોઈ આવશ્યકતા  નથી : કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
બ્રિટનમાં નવા પ્રકારનો કોરોના વાયરસ સામે આવતાં ભારતે આ દિશામાં પગલાં ભર્યા હતા. ભારતે બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટો ૩૧ ડિસેમ્બર સુધી રદ્દ કરી છે. બ્રિટનમાં નવા પ્રકારનો કોરોના વાયરસ સામે આવતાં વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વના ઘણાં દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટો સામે રોક લગાવતાં સોમવારે ભારતે પણ આ દિશામાં પગલું ભર્યું છે. સોમવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘોષણાં કરતાં જણાવ્યું હતું કે, ભારતે યુકેથી આવતા તમામ વિમાનો પર ૩૧ ડિસેમ્બર સુધી મનાઈ ફરમાવી દીધી છે. મંત્રાલયે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત આવતી અને ભારતથી જતી તમામ ફ્લાઈટો પર ૩૧ ડિસેમ્બર રાતના ૧૨ વાગ્યા સુધી મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ નિર્ણય ૨૨ ડિસેમ્બર રાતથી લાગુ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગે ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, ૨૨ ડિસેમ્બરની રાત્રે ૨૩.૫૯ વાગ્યા પહેલા બ્રિટનથી ભારત આવનારા તમામ પ્રવાસીઓને આરટી-પીસીઆર કરાવવું પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને રવિવારે ઘોષણા કરી હતી કે, બ્રિટનમાં લંડન સહિત ઘણાં વિસ્તારોમાં કોરોનાવાયરસનો નવો પ્રકાર જોવા મળ્યો છે. જે પહેલા કરતાં વધુ ખતરનાક છે. બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજીથી ચેપ ફેલાઈ રહ્યો છે. જેના પગલે રવિવારથી જ યુકેના મોટભાગના વિસ્તારમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. અથવા નાતાલ બાદ લોકડાઉન લાગુ કરાશે. વાયરસનો નવો પ્રકાર મળવાને કારણે ઘણાં યુરોપિયન દેશો સહિત સાઉદી અરબ અને કુવૈત જેવા દેશોએ પણ બ્રિટન પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો છે. સાઉદી અરબે બ્રિટનની તમામ ફલાઈટો રદ્દ કરવા સાથે જમીન અને સમુદ્ર માર્ગ પર પણ રોક લગાવી દીધી છે. ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ઈટલી, આયર્લેન્ડ, જર્મીન, ફ્રાન્સ અને નેધરલેન્ડે રવિવારે જ પ્રતિબંધની જાહેરાત કરી હતી. જ્યારે ઈઝરાયેલ, તૂર્કી અને સાઉદી અરબે સોમવારે બ્રિટન પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો હતો. બીજી તરફ બ્રિટનમાં કોરોનાના બેકાબૂ સ્ટ્રેઈન અંગે ભારતના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, ભારતીય લોકોએ ભયભીત થવાની કોઈ આવશ્યકતા નથી. સરકાર સપૂર્ણ રીતે એલર્ટ છે. કોરોના વાયરસના પ્રસાર બાદથી છેલ્લા એક વર્ષથી અમે લોકોની સલામતી માટે તમામ પગલાં ભરી રહ્યાં છે અને હજુ પણ આ ક્રમ ચાલુ છે.