(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર,તા.ર૬

કોરોના વાયરસ સમગ્ર રાજયને હચમચાવી રહ્યું છે. રાજયભરમાં કોરોના વાયરસના વધતા જતા વ્યાપની સાથે રોજેરોજ કેસોમાં આવી રહેલો ઉછાળો ચિંતાજનક છે. કોરોનાના કેસો રાજયમાં રોજેરોજ નવા  રેકોર્ડ સર્જી રહેલ છે. છેલ્લા સપ્તાહથી રાજયમાં રોજના કેસોનો આંક ૧૦૦૦ને પાર થઈ ગયા બાદ આજે તો આ આંક ૧૧૦૦ને પણ  પાર થઈ જતા નવા રેકોર્ડબ્રેક ૧૧૧૦ કેસ બહાર આવ્યા છે.  જેમાં આજે પણ ર૯૯ કોરોના કેસો સાથે સુરત નં.૧ પર રહેલ છે તો રાજયના અન્ય પાંચથી છ જિલ્લામાં પણ વધુ પ્રમાણમાં  કેસો જારી રહ્યા છે. બીજી તરફ રાજયમાં કોરોનાને લીધે વધુ ર૧  વ્યકિતઓના મૃત્યુ નીપજયા છે. જયારે કોરોનાના  વધતા કેસો સામે રાહતરૂપ વધુ નવા ૭પ૩ દર્દીઓ કોરોનાની સારવાર દરમ્યાન સાજા થવામાં સફળ રહ્યા છે. જેથી રાજયમાં સાજા થવાનો દર વધીને ૭ર.૩૧ ટકા થવા પામ્યો છે. બીજી તરફ રાજય સરકાર દ્વારા હવે કોરોનાના ટેસ્ટ પણ  વધારવામાં આવ્યા છે.  કોરોના વાયરસનું સંક્રમણ વધતા રાજયભરને ભરડામાં લીધો છે. એટલે કે એક પણ જિલ્લો કોરોનાના સંક્રમણથી કોરો રહેવા પામ્યો નથી. કોરોનાનો વ્યાપ વધવાને લઈને સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત પાંચ દિવસથી કોરોનાનાં કેસ ૧૦૦૦થી વધુ આવી રહ્યા છે ત્યાં જ આજે પણ રાજ્યમાં કોરાનાનાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૧૧૦ કેસ નોંધાયા છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહીં શકે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં રવિવારે ૧૧૧૦ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કૂલ કેસોની સંખ્યા વધીને ૫૫,૮૫૨એ પહોંચી છે. વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ ૪૫૦થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ ૨૧ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૨૩૨૬એ પહોંચ્યો છે.

કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૨૦૧, અમદાવાદ કોર્પોરેશન ૧૫૨, સુરત ૯૮, વડોદરા કોર્પોરેશન ૭૯, રાજકોટ કોર્પોરેશન ૫૨, અમરેલી ૩૯, બનાસકાંઠા ૩૫, દાહોદ ૩૦, નર્મદા ૨૬, સુરેન્દ્રનગર ૨૪, છોટા ઉદેપુર ૨૨, પાટણ ૨૨, કચ્છ ૨૦, રાજકોટ ૨૦, ભરૂચ ૧૯, ગીર સોમનાથ ૧૮, જુનાગઢ કોર્પોરેશન ૧૮, મહેસાણા ૧૮, નવસારી ૧૮, પંચમહાલ ૧૮, ભાવનગર કોર્પોરેશન ૧૭ તેમજ અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વીતેલા ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૧૨ દર્દીઓનાં મત્યુ થયાની પૃષ્ટી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશન ૩, ગાંધીનગર ૧, જામનગર કોર્પોરેશન ૧, મોરબી ૧, રાજકોટ ૧, વડોદરા ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૨૧ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કોરોના કહેરના ૧૨૯માં દિવસે કુલ ૪૦૩૬૫ નાગરીકો સાજા થઈ ગયા છે. ૨૩૨૬ના અવસાન થયા છે. જ્યારે રવિવાર સાંજની છેલ્લી સ્થિતિ મુજબ ૧૩,૧૩૧ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૫ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૩,૦૪૬ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજ્યભમાં આજ સુધીમાં કુલ ૬.૪ર લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે ઉહાપોહ બાદ હવે રહી-રહીને ગુજરાતમાં કોરોના ટેસ્ટ વધારવામાં આવ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં ૨૯૯ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં ૨૦૧ અને સુરત જિલ્લામાં ૯૮ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૧૧,૬૭૨ પર પહોંચ્યો છે. સુરતમાં આજે ૧૪૭ દર્દીઓ સ્વસ્થ થયા છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ ૩૬૧ દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ ૩૩૪૨ એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૬૩ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫૨ અને અમદાવાદ જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો ૨૫,૬૯૨ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૧૬૮ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો ૨૦,૩૮૭ પર પહોંચ્યો છે. અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧૫૭૭ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં ૩૭૨૮ એક્ટિવ કેસ છે.