(એજન્સી) લોસ એન્જેલીસ, તા.૧૯
૩૬ વર્ષીય ભારતીય મૂળની વ્યક્તિ કોરોના વાયરસથી એટલી હદે ભયભીત હતો કે તે પોતાના ઘરે જતાં પણ ગભરાતો હતો અને એ માટે તે ત્રણ મહિના સુધી શિકાગોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાં જ રોકાઈ ગયો હતો. અમેરિકા સત્તાવાળાઓએ જણાવ્યું કે, આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
આદિત્યસિંઘ કેલિફોર્નિયાના લોસ એન્જેલીસમાં એક પરાં વિસ્તારમાં રહે છે. એમની શનિવારે શિકાગો એરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી, તે ૧૯ ઓક્ટોબરથી ત્યાં રહેતો હતો. એમની સામે ગેરકાયદેસર પ્રવેશ અને ચોરીના આક્ષેપો મૂકાયા છે. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે, યુનાઈટેડ એરલાઈન્સના સ્ટાફે એમની પાસેથી ઓળખપત્ર માંગતા એમણે એક બેજ બતાવ્યું હતું, પણ ખરેખર તે બેજ ઓપરેશનલ મેનેજરનું હતું જે એમની પાસેથી ઓક્ટોબર મહિનાથી ગુમ થઈ ગયું હતું. સિંઘને આ બેજ એરપોર્ટથી મળ્યું હતું અને તે કોવિડના લીધે ઘરે જવામાં ગભરાઈ રહ્યો હતો. એ ગમે તેમ કરી એરપોર્ટ ઉપર સંતાઈને રહી રહ્યો હતો. જજને આ સંજોગો સાંભળી આશ્ચર્ય થયું હતું. સિંઘ લોસ એન્જેલીસના પરાંમાં અન્ય એક મિત્ર સાથે રહેતો હતો અને કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતો ન હતો. એમની પાસે હોસ્પિટાલિટીમાં માસ્ટરની ડિગ્રી છે, હાલમાં તે બેરોજગાર છે. કોર્ટે બધા સંજોગોને ધ્યાનમાં લઈ એમને ૧૦૦૦ ડોલરના જામીન ઉપર મુક્ત કર્યો હતો.