અમદાવાદ, તા.૨૯
રાજ્યભરમાં કાળમુખા કોરોનાના કહેર વચ્ચે કાળઝાળ ગરમીએ દેકારો બોલાવતા લોકો ત્રસ્ત થઈ ઊઠ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સતત ઉંચકાઈ રહેલો ગરમીનો પારો આજે ૪૨ ડિગ્રીની પાર નીકળી ગયો છે. રાજ્યના અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, ડીસા સહિતના ૬થી ૭ જેટલા સ્થળોએ પારો ૪રથી ૪૩ ડિગ્રીએ પહોંચતા લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો. ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ ૪૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે તુલનામાં આજે અનેક સ્થળોએ પારો ૪૩ ડિગ્રીને પહોંચ્યો છે. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો ૪૪થી ૪પ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેને પરિણામે લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. ગરમીની સાથે-સાથે બફારાનું પ્રમાાણ પણ વધુ રહે છે. જેને કારણે લોકો વધારે અકળાઈ ઊઠ્યા છે, જ્યારે ગરમી લોકડાઉનને સફળ બનાવતી હોય એમ બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસતા હતા અને સ્વયંભૂ કર્ફ્યુની સ્થિતિ જેવો માહોલ જોવા મળ્યો હતો. વાત કરીએ તાપમાનની તો ૪૩.૮ ડિગ્રી જેટલા હાઈ ટેમ્પ્રેચર સાથે અમદાવાદમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો, જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૩.૬, વડોદરામાં ૪૩.ર, ડિસામાં ૪૩.૧, ગાંધીનગરમાં ૪૩.૦, ભાવનગરમાં ૪ર.૧, અમરેલીમાં ૪ર.૦, ભૂજમાં ૪૧.૯, રાજકોટ અને કંડલામાં ૪૧.૮, સુરતમાં ૪૧.૪ જ્યારે કેશોદમાં ૪૦.ર ડિગ્રી જેટલું ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમ એકતરફ કોરોના જેવી મહામારીથી ત્રસ્ત લોકો ગરમીના જોરદાર પ્રકોપથી ભારે અકળાઈ ઊઠ્યા હતા. આવી કાળ-ઝાળ ગરમીના માર વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ, હાલ કાળ-ઝાળ ગરમીથી સમગ્ર પ્રકૃતિ પ્રભાવિત થઈ ઊઠી છેે. જો કે, હાલ લોકડાઉનને પરિણામે ૪૩ ડિગ્રી તાપમાનમાં પણ ગરમીનો અગાઉના વર્ષો જેવો અનુભવ થતો નથી. જો કે, આગામી દિવસોમાં ઉનાળો તેનો આકરો મિજાજ બતાવશે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ક્યાં કેટલું તાપમાન ?
સ્થળ મહત્તમ તાપમાન
અમદાવાદ ૪૩.૮
સુરેન્દ્રનગર ૪૩.૬
વડોદરા ૪૩.૨
ડીસા ૪૩.૧
ગાંધીનગર ૪૩.૦
ભાવનગર ૪૨.૧
અમરેલી ૪૨.૦
ભૂજ ૪૧.૯
રાજકોટ ૪૧.૮
કંડલા ૪૧.૪
સુરત ૪૧.૪
કેશોદ ૪૦.૨