(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૮
કોરોનાની મહામારીને નાથવા માટે સરકારી તંત્રના વિવિધ પ્રયાસો અને તેમાં પણ હવે રાજયના અગ્રણી નિષ્ણાત તબીબોની ટાસ્કફોર્સની રચના સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ વધારા સાથે યથાવત રહેવા પામ્યું છે. એટલે કે રાજયમાં છેલ્લા સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસો જે રીતે ઉછાળા સાથે આવી રહ્યા છે. તે જ સિલસિલો આજે પણ જારી રહેવા પામ્યો છે છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં વધુ નવા ૪૭૭ કોરોનાના દર્દીઓ નોંધાવવા પામ્યા છે તો તેની સાથે સાથે મૃત્યુનો મામલો પણ એ જ રીતે જારી રહ્યો છે. રાજયમાં આજે વધુ ૩૧ વ્યકિતઓ કોરોનામાં મોતને ભેટી છે. તેની સામે કોરોનામાંથી સાજા થવાનું પ્રમાણ ઘટયું છે ર૪ કલાકમાં વધુ ૩ર૧ દર્દીઓ કોરોનામુકત થવામાં સફળ રહ્યા છે. રાજયભરમાં કોરોના વાયરસ પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે અને અનલોક-૧ની છુટછાટનો જાણે લાભ ઉઠાવતો હોય તેમ કેસોમાં ઉછાળા સાથે વધારો જારી રહેવા પામેલ છે. જેમાં કોરોનાથી થઈ રહેલ મૃત્યુના દરની દૃષ્ટિએ દેશમાં સૌથી આપણે આગળ છીએ. એટલે કે કોરોનામાં મોતનો મામલો ઘટવાનું નામ લેતો નથી. વધતો રહે છે મોતના દર મામલે ગત રોજ નિષ્ણાત તબીબે કહી પણ દીધું કે તેના પર નિયંત્રણ કરવું મુશ્કેલ છે. માત્ર દર્દીને ઉત્તમ સારવાર પર જ ધ્યાન આપી શકાય તેમ હોઈ તેના પર જ ફોકસ રમાઈ રહ્યું છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૩૧ વ્યકિતઓના મૃત્યુ થવા પામ્યા છે. જેમાં અમદાવાદમાં જ ર૪ના મોત થયેલ છે તો ગાંધીનગરમાં-ર, સાબરકાંઠા, પંચમહાલ અને રાજકોટમાં ૧-૧ વ્યકિતના મૃત્યુ થવા પામેલ છે આમ રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૧ર૮૦ દર્દીઓના મૃત્યુ થઈ ચુકયા છે. જયારે અમદાવાદમાં આજના ર૪ મોત સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક, ૧૦૩૯ પર પહોંચ્યો છે. રાજયમાં છેલ્લા સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસ પ૦૦ની આસપાસ રહેવા પામેલ છે જેમાં ર૪ કલાકમાં નવા ૪૭૭ પોઝિટિવ કેસો બહાર આવતા રાજયભરમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક ર૦પ૭૪ પર પહોંચવા પામ્યો છે. રાજયમાનો નવા કેસોમાં અમદાવાદમાં આજે વધુ ઉછાળા સાથે ૩૪૬ કેસ નોંધાયા છે. તો સુરત-૪૮ કેસ, વડોદરામાં-૩પ, સુરેન્દ્રનગરમાં-૬, જામનગર-સાબરકાંઠામાં પ-પ કેસ તથા ગાંધીનગર-જૂનાગઢ-અરવલ્લી-પંચમહાલમાં-૪-૪ કેસ તેમજ ભાવનગરમાં-૩, બનાસકાંઠા-ભરૂચ-નવસારી-અન્ય રાજયમાંના ર-ર કેસ અને અન્ય પાંચ જિલ્લામાં ૧-૧ કેસ નોંધાવવા પામેલ છે. રાજયના કોરોના હબ અમદાવાદમાં આજના નવા કેસો સાથે કોરોના પોઝિટિવ કેસોનો આંક ૧૪૬૩૧ પર પહોંચી ગયો છે. રાજયમાં કોરોનાના નવા કેસોના ઉછાળા સામે કોરોનામાંથી સાજા થનારા દર્દીઓના પ્રમાણમાં છેલ્લા સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ર૪ કલાકમાં વધુ ૩ર૧ દર્દીઓ સારવાર બાદ સાજા થવામાં સફળ રહ્યા છે જેને પગલે રાજયભરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૯૬૪ દર્દીઓ કોરોના મુકત થવામાં સફળ રહ્યા છે. રાજયમાંના કોરોનાના કુલ એકિટવ કેસ પ૩૩૦ પેકી પ૯ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જયારે અન્ય પર૭૧ની સ્થિતિ સ્ટેબલ (સ્થિર) દર્શાવવામાં આવી રહી છે. રાજયમાં આજ સુધીમાં કુલ ર.૧૦ લાખ લોકોને કવોરોન્ટાઈનમાં રાખવામાં આવેલ છે. જે પૈકી ર.૦૩ લાખને હોમ કવોરોન્ટાઈનમાં તથા ૬૮૧ર વ્યકિતઓને ફેસેલીટી કવોરોન્ટાઈનમાં રાખવામાં આવેલ હોવાનું આરોગ્ય વિભાગની યાદી દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં ૨૪ કલાકના નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ ૩૪૬
સુરત ૪૮
વડોદરા ૩૫
સુરેન્દ્રનગર ૬
જામનગર ૫
સાબરકાંઠા ૫
જૂનાગઢ ૪
ગાંધીનગર ૪
અરવલ્લી ૪
પંચમહાલ ૪
ભાવનગર ૩
બનાસકાંઠા ૨
નવસારી ૨
ભરૂચ ૨
મહેસાણા ૧
કચ્છ ૧
ખેડા ૧
ગીર-સોમનાથ ૧
અમરેલી ૧
અન્ય રાજ્ય ૨
કુલ ૪૭૭

અમદાવાદમાં પોલીસકર્મી બે
સગાભાઈનો કોરોનાએ ભોગ લીધો

અમદાવાદ, તા.૮
કોરોના મહામારી વચ્ચે પ્રજાની સલામતી માટે સતત પોલીસ ફરજ નિભાવી રહી છે ત્યારે ફરજ દરમ્યાન કેટલાક પોલીસકર્મીઓનું કોરોનાને લીધે મોત થયું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાએ પોલીસમાં ફરજ નિભાવતા એક કુટુંબના બે સગાભાઈઓનો ભોગ લીધો છે. બંને ભાઈઓનાં મોતથી પોલીસ વિભાગમાં શોકનો માહોલ છે. જ્યારે પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા મુકેશ સોમભાઈનું કોરોનાના કારણે અવસાન થયું છે. મુકેશભાઈ ટ્રાફિક એલ.ડિવિઝનમાં હેડ કોન્સ્ટેબલ હતા અને કોરોનાની આ મહામારીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ તેમની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. નોંધનીય છે કે, મુકેશભાઈના સગાભાઈ ભરતજી પણ પોલીસમાં હતા અને જે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ નિભાવતા હતા. પરંતુ થોડા દિવસો પહેલાં તેમનું પણ કોરોનાનાં કારણે મોત થયું હતું. બંને ભાઈઓનાં મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ બંને ભાઈ સિવાય પોલીસ બેડામાં અનેક પોલીસકર્મી કોરોના સામે જંગ હારી ગયા છે.