(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
રાજ્યમાં કોરોનાનું કહેર વધી રહ્યું છે. જો કે સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટ વધારવાને લીધે કેસો વધવાની વાત સાથે કોરોનાની રિકવરીનો દર વધવાનો દાવો કરાઈ રહ્યો છે. રાજ્યભરમાં કોરોના વાયરસના વધતા વ્યાપની સાથે કેસોનું પ્રમાણ ઉછાળારૂપ વધી રહ્યું છે. રાજ્યના છથી સાત જિલ્લામાં કોરોનાના કેસો વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી રાજ્યમાં ૧૦૦૦ ઉપર કેસો નોંધાઈ રહ્યા છે. જેનો સિલસિલો આજે પણ જારી રહેતા ર૪ કલાકમાં કોરોનાના વધુ નવા ૧૦પર કેસ બહાર આવ્યા છે. જેમાં સુરતમાં સૌથી વધુ રપ૮ કેસ નોંધાયા છે. તો વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કેસોનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ રાજ્યમાં આજે પણ કોરોનામાં મોતના પ્રમાણનો વધારો જારી રહેતા વધુ રર વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે કોરોનાના વધતાં કેસો સામે કોરોનામાંથી સાજા થવાના મામલામાં ભારે ઉછાળો જોવા મળતાં રાહતરૂપ છે. ર૪ કલાકમાં રાજ્યભરમાં ૧૦૧પ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહેલ છે. સરકારના દાવા અનુસાર, ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૫,૪૭૪ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંચી ૧૦૫૨ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કુલ કોરોનાના કેસનો આંક ૫૬,૮૭૪ થયો છે. જ્યારે મોતનો કુલ આંક ૨૩૪૮ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૪૧,૩૮૦ થયો છે. આજે નોંધાયેલ કેસોની જિલ્લાવાર વિગતો જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૪, અમદાવાદ કોર્પોરેશન ૧૪૪, વડોદરા કોર્પોરેશન ૮૨, સુરત ૫૪, રાજકોટ કોર્પોરેશન ૫૦, અમદાવાદ ૪૦, સુરેન્દ્રનગર ૩૦, દાહોદ ૨૭, પાટણ ૨૭, ભરૂચ ૨૪, ગાંધીનગર ૨૪, રાજકોટ ૨૪, અમરેલી ૨૨, બનાસકાંઠા ૧૯, ભાવનગર કોર્પોરેશન ૧૯, વલસાડ ૧૯, મહેસાણા ૧૭, ગીર-સોમનાથ ૧૬, જૂનાગઢ કોર્પોરેશન ૧૬, ખેડા ૧૬, નવસારી ૧૬ તેમજ અન્ય જિલ્લામાં કેસો નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૩,૧૪૬ છે જેમાંથી ૮૧ દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે ૧૩,૦૬૫ દર્દીઓની હાલત સ્થિર બતાવાઈ છે. આજના દિવસે સુરત કોર્પોરેશન-૫, અમદાવાદ કોર્પોરેશન-૪, સુરત ગ્રામ્ય ૪, પાટણ ૨, વડોદરા કોર્પોરેશન-૨, ભાવનગર ૧, જૂનાગઢ ૧, મહેસાણા ૧, પંચમહાલ ૧, વડોદરા ગ્રામ્ય ૧ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું જેને પગલે રાજ્યનો કુલ મૃત્યુઆંક ર૩૪૮ થયો છે. રાજ્ય સરકારે હવે કોરોના ટેસ્ટિંગમાં ધરખમ વધારો કર્યો છે. હાલ રાજ્યમાં દર દસ લાખે ૩૯૧.૯૦ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત હાલ રાજ્યનો ડિસ્ચાર્જ રેટ પણ ૭૨.૭૫% થયો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઈ રહ્યા છે. આજે સુરતમાં ૨૫૮ નવા કોરોનાના કેસ નોંધાયા છે જેમાં સુરત કોર્પોરેશનમાં ૨૦૪ અને સુરત જિલ્લામાં ૫૪ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૧૧,૯૩૦ પર પહોંચ્યો છે. સુરતમાં આજે ૧૮૪ દર્દીઓ સ્વસ્થ થયા છે તો આજે સુરતમાં ૯ દર્દીઓનાં મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ ૩૭૦ દર્દીનાં મૃત્યુ થયા છે. સુરતમાં હાલ ૩૩૪૨ એક્ટિવ કેસ છે.