અમદાવાદ, તા.૯
રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધતા જતાં કોરોનાના કેસોને લઇ મોડી રાત્રે દિલ્હી એઈમ્સના ડૉ.રણજીત ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ એઈમ્સના ડાયરેક્ટરે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં સારવાર સારી થઇ રહી છે. લક્ષણો જણાતા હોય તો ટેસ્ટ કરાવો. પોતાની અને બીજાની જિંદગી બચાવો. અહિંયા મોડા દાખલ થાય છે તેથી મૃત્યુદર વધ્યો છે. વહેલી સારવારથી મૃત્યુદર ઘટી શકે છે, એમ જણાવી સિવિલ હોસ્પિટલનો બચાવ કર્યો હતો. લક્ષણ દેખાય તો લોકો તુરંત ટેસ્ટ કરાવે. ઉંમરલાયક લોકો અને ખાસ જેઓને બીમારી છે તેવા લોકોનું ધ્યાન રાખવું જોઇએ.
આજે સવારે ૯ વાગ્યે ડૉ.રણજીત ગુલેરિયા તેમની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. આરોગ્ય વિભાગના સચિવ ડૉ.જયંતી રવિ, સિવિલમાં તાત્કાલિક પુનઃ નિમાયેલા એમ.એમ.પ્રભાકર સહિતના સિનિયર ડૉક્ટરો સાથે કોરોનાની સારવાર અને તેની માહિતી અને પ્રેઝન્ટેશન અંગેની બેઠક યોજાઇ હતી. ડૉ.રણદીપ ગુલેરિયા અને મનીષ સૂનેજાએ અમદાવાદ મેડી સિટી કેમ્પસમાં અસ્મિતા ભવન ખાતે સ્થાનિક તબીબો સાથે બેઠક યોજી તેમનું માર્ગદર્શન કર્યું હતું. બંનેએ સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડૉક્ટર્સને કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
ડૉ.રણદીપ ગુલેરિયાએ હોસ્પિટલમાં આઈસીયૂ એક ફ્લોર પર જ રાખવા સલાહ આપી હતી. ત્યારબાદ પીપીઈ કિટના ઉપયોગ અંગે પણ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં તબીબો અને દર્દી વચ્ચે સારૂં સંકલન જોવા મળ્યું છે. છેલ્લા ૨ મહિનાથી એઈમ્સ પણ સ્ટાફના સંપર્કમાં છે. કેટલાક દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પોઝિટિવ લોકો આઇસોલેટ થશે તો ઇન્ફેક્શન બીજા લોકોમાં નહીં ફેલાય. કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ બીમાર લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા, ડૉ.મનીષ સુનેજાએ અમદાવાદમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરી હતી. ત્યારબાદ બે અનુભવી ડૉક્ટરોએ જુનિયર તબીબ, પેરામેડિકલ સ્ટાફ સાથે બેઠક યોજી હતી. બંને ડૉક્ટર્સે અમદાવાદમાં કોરોનાની સ્થિતિને લઈ સમીક્ષા કરી હતી અને હોસ્પિટલના તબીબો અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી.