(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે, દરમ્યાન સોમવારે દેશના કેટલાક રાજયોમાં આંશિક રીતે સ્કૂલો ખોલવામાં આવી છે. ત્યાં દેશમાં સૌથી મોટુ પર્યટન સ્થળ તાજમહેલ પણ પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યું. માર્ચમાં લોકડાઉન પહેલાથી જ તાજમહેલ બંધ હતો. પરંતુ ર૧ સપ્ટેમ્બર એટલે આજથી તાજમહેલ ફરી એક વખત જનતા માટે ખોલવામાં આવ્યો છે. ભારતમાં સોમવાર સુધી કોરોનાના પ૦ લાખ કેસ પાર થઈ ચૂકયા છે. ભારત બીજા ક્રમે છે માત્ર અમેરિકા આગળ છે અને આ સ્થિતિ જલ્દી બદલાઈ શકે છે. સ્કૂલ-કોલેજોને પણ આંશિક રીતે કેટલીક શરતોની સાથે ખોલી દેવામાં આવી છે, જો કે કેટલાક રાજયોએ અત્યારે પણ સ્કૂલો ના ખોલવાનો નિર્ણય લીધો છે. કેટલાક લોકોનું માનવું છે કે તેમણે હવે વાયરસની સાથે રહેવાની ટેવ પાડવી પડશે. તાજમહેલ જોવા પોતાના પરિવાર સાથે આવેલા બેંક કર્મચારી ઐયુબ શેખે જણાવ્યું કે, ઘણા લોકોએ લોકડાઉનના કારણે પોતાનો રોજગાર ગુમાવી ચુકયા છે. લોકોએ ઘણુ સહન કર્યું અને સમય આવી ગયો છે કે હવે બધુ સંપૂર્ણપણે ખોલી દેવામાં આવે. અમને વાયરસથી ડર નથી લાગતો. જો અમને ઈન્ફેકશન થવાનું છે તો થઈ જાય. ઘણા લોકો તેનાથી મરી રહ્યા નથી. મને નથી લાગતું કે આ આટલી જલ્દી જશે, આપણે તેની ટેવ પાડી લેવી જોઈએ. સોમવારે ર૦૦થી વધુ લોકો તાજમહેલ પહોંચ્યા હતા. અહીં દરરોજ આવનારા પર્યટકોની સંખ્યા પ૦૦૦ સુધી સિમિત રાખવામાં આવી છે કર્મચારી સતિશે જણાવ્યું કે, તાજમહેલથી અનેક લોકોને રોજગાર મળે છે. વેપાર ફરી શરૂ કરવો સારૂં લાગે છે.