(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૦
રાજયમાં કોરોનાનો વ્યાપ વધવાની સાથે સાથે કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળારૂપ વધારો યથાવત રહ્યો છે રોજેરોજ કોરોનાના વધારા સાથે કેસો જારી રહેતા અને તેમાં પણ છેલ્લા ઘણા સમયથી રાજયના પાંચથી સાત જિલ્લાઓમાં કોરોનાના કેસોનો વધારો જોવા મળતા ચિંતાજનક સ્થિતિ નિર્માણ થઈ રહી છે રાજયભરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવના વધુ નવા ૧૩૩ર કેસ બહાર આવ્યા છે જેમાં ર૭૮ કેસ સાથે આજે પણ સુરત સૌથી આગળના ક્રમે રહેલ છે. જયારે કોરોનામાં મૃત્યુનો મામલો એ જ ગતિએ જારી રહેતા આજે રાજયમાં વધુ ૧પ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા છે તો બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થનારાઓમાં ત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જે રાહત જનક છે. ર૪ કલાકમાં રાજયભરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪૧પ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮ર.૩૧ ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત રાજયમાં કોરોના ટેસ્ટનું વધુ પ્રમાણ જારી રહેલ છે જેમાં આજે ૭ર,૧પ૧ ટેસ્ટ કરવામાં આવેલ છે.
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર યથાવાત છે. કોરોનાના કેસો રોજના સરેરાશ ૧૨૦૦થી ૧૩૦૦ અને તેથી હવે વધુ આવી રહ્યા છે. આજે ગુરૂવારના પણ કોરોનાના કેસો ૧૩૦૦થી વધારે એટલે કે, ૧૩૩૨ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં ૨૪ કલાકમાં વધુ ૭૨,૧૫૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી વસ્તી પ્રમાણે પ્રતિદિન ૧૧૧૦.૦૧ ટેસ્ટ પ્રતિ મિલિયન કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩૦,૭૩,૫૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૧૩૩૨ પોઝિટિવ કેસની સામે રાજ્યમાં ૧,૪૧૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો ૯૦,૨૩૦ થવા પામ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૮૨.૩૧ ટકા થયો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૬,૮૨,૨૯૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી ૬,૮૧,૮૩૯ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને ૪૫૯ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે કુલ ૧૫ લોકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરતમાં ૩, અમરેલીમાં ૨, ગાધીનગરમાં ૧, જામનગરમાં ૧, રાજકોટ કોર્પોરેશનમાં ૧, સાબરકાંઠામાં ૧, વડોદરા કોર્પોરેશનમાં ૧ અને સુરત કોર્પોરેશનમાં ૧ મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩૧૬૭ થવા પામ્યો છે. રાજ્યમાં કુલ ૧૬,૨૩૦ કોરોના કેસ અત્યારે એક્ટિવ છે, જે પૈકી ૯૧ દર્દી વેન્ટીલેટર પર રખાયા છે જ્યારે અન્ય ૧૬,૧૩૯ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ સુરત કોર્પોરેશનમાં ૧૭૬ આવ્યા છે. જેના પરથી જણાય છે કે, રાજ્યમાં સુરત જિલ્લાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશનમાં ૧૪૮, સુરત ગ્રામ્યમાં ૧૦૨, રાજકોટ કોર્પોરેશન ૯૬, વડોદરા કોર્પોરેશન ૮૪, જામનગર કોર્પોરેશન ૮૦, રાજકોટ ગ્રામ્યમાં ૫૪, વડોદરા ગ્રામ્યમાં ૪૦, ભાવનગર કોર્પોરેશનમાં ૩૪, પાટણમાં ૩૧, અમરેલીમાં ૩૦, ભાવનગર ગ્રામ્યમાં ૩૦, પંચમહાલમાં ૩૦, મોરબીમાં ૨૭, જામનગર ગ્રામ્યમાં ૨૫, મહેસાણામાં ૨૫ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૨૪ જેટલા કેસ નોંધાવવા પામ્યા છે. આ સાથે રાજ્યભરમાં કોરોનાના કુલ કેસનો આંક ૧,૦૯,૬૨૭ પર પહોંચ્યો છે.
Recent Comments