(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬

કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં યથાવત્‌ રીતે જારી રહેતા અને તેમાં પણ જિલ્લાઓમાં કેસોનું પ્રમાણ વધતાં સરકારી તંત્ર માટે નવા પડકારો ઉભા થઈ રહ્યા છે. રોજે-રોજ ઉછાળારૂપ કોરોનાના કેસો અને તેમાં થઈ રહેલ મૃત્યુના બનાવોને લઈ લોકોમાં ચિંતા ઊભી થઈ રહી છે. જો કે બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ નવા ૧૦૩૪ કેસ બહાર આવ્યા છે. જેમાાં સૌથી વધુ ર૩૮ કેસ સાથે સુરત નં.૧ પર રહેલ છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાં ફરીવાર મૃત્યુના પ્રમાણમાં વધારો જોવા મળતાં આજે વધુ ર૭ વ્યક્તિઓ મોતને  ભેટી  છે. જ્યારે કોરોનામાંથી સાજા થવાના મામલામાં વધારો જારી રહેતા છેલ્લા ર૪ કલાકમાં વધુ ૯૧૭ દર્દીઓ સાજા થવામાં સફળ રહેલ છે. જેને પગલે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૭૪.ર૧ ટકા થવા પામ્યો છે.

કોરોના વાયરસ રાજયને બરોબર ધમરોળી રહ્યું છે. સમગ્ર રાજયમાં કોરોનાના  વધતા વ્યાપ સાથે પ્રોઝિટિવ કેસોનો ઉછાળો તંત્ર માટે માથાનો દુઃખાવો બની રહેલ છે. કોરોના  પોઝિટિવ કેસોનો રોજનો આંક ઉછાળા સાથે વધવાને પગલે રાજયમાં કુલ કેસોનું મીટર ઝડપથી વધી રહેલ છે. એની સાથે સાથે કોરોનામાં મૃત્યુનું પ્રત્યાત સમગ્ર દેશમાં રહી સૌથી વધુ છે. કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં આ મૃત્યુનો વધુ દર  જારી રહેવા પામેલ છે. રાજયભરમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ર૭ વ્યકિતઓનું કોરોનામાં મૃત્યુ નીપજેલ છે જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૯નાં મોત થયા છે. તે પછી અમદાવાદ અને રાજકોટ જિલ્લામાં પ-પ વ્યકિતના મૃત્યુ થયા છે. જયારે વડોદરા જિલ્લામાં-૩, કચ્છમાં-ર, જામનગર, મહેસાણા અને વલસાડ જિલ્લામાં ૧-૧ વ્યકિતના મૃત્યુ નીપજેલ છે. આમ એક જ દિવસમાં વધુ ર૭ મોત સાથે રાજયભરમાં અત્યાર સુધીમાં કોરોનામાં કુલ રપ૮૪ લોકોએ જીવગુમાવ્યા છે. કોરોનાના રોજના વધતા કેસો વચ્ચે બે દિવસથી કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આજે નવા ૧૦૩૪ કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ૧૮૪ અને ગ્રામ્યમાં પ૪ મળી કુલ ર૩૮ કેસ નોંધાયા છે. તે પછી અમદાવાદ શહેરમાં-૧૩૭ અને ગ્રામ્યમાં ૧૪ મળી કુલ ૧પ૧ કેસ નોંધાયા છે જયારે વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, મહેસાણા, જામનગર ગાંધીનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લામાં ૧૧૮ કેસ, રાજકોટ જિલ્લામાં ૯૦, જૂનાગઢ-ભાવનગરમાં ૪૪-૪૪ કેસ તથા  ગાંધીનગરમાં-૩ર, મહેસાણા-૩૪, જામનગર-ર૮, કચ્છ-ર૭, ખેડા-ર૧, અમરેલી-પંચમહાલ-ર૦-ર૦ કેસ, ભરૂચ-૧૯, સુરેન્દ્રનગર-૧૮, વલસાડ-૧૬ તેમજ રાજયના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧પ કેસ નોંધાવવા પામેલ છે. આ  સાથે રાજયભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોનો આંક ૬૭૮૧૧ થવા પામ્યો છે. બીજી તરફ રાજ્યભરમાં કોરોનામાંથી સાજા થવામાં સારા પરિણામો જારી રહેતા આજે ૯૧૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે જેને પગલે રાજ્યભરમાં અત્યારસુધીમાં કોરોનામુક્ત લોકોનો આંક પ૦ હજારને પાર થઈ જવા પામેલ છે.