• રાજ્યભરમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ કેસોનો આંક ૬૧,૪૩૮ : કોરોનાએ કુલ ૨૪૪૧ લોકોનાં જીવ લીધા ! • કોરોના હોટસ્પોટ અમદાવાદમાં કોરોના કેસોનો આંક ૨૬,૫૧૭ : મૃત્યુઆંક ૧પ૯૯ : સુરતમાં કુલ કેસ ૧૩,૦૬૯, કુલ ૪૧૪નાં મોત • રાજ્યભરમાં કુલ ૪૪,૯૦૭ લોકો થયા કોરોનામુક્ત

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૧
ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધતો જઈ રહ્યો છે. રોજે-રોજ કોરોનાના સૌથી વધુ કેસોના નવા રેકોર્ડ સાથે કેસો બહાર આવી રહ્યા છે. તો રાજ્યભરમાં તેનો વ્યાપ પણ વધી રહ્યો છે. આ સાથે દસેક દિવસ પહેલા કોરોનામાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો નોંધાયા બાદ ફરીથી છેલ્લા સપ્તાહથી કોરોનામાં મૃત્યુનું પ્રમાણ પણ વધી જવા પામ્યું છે. રાજ્યભરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ નવા ૧૧૫૩ કેસ બહાર આવ્યા છે. જેમાં આજે પણ ૨૮૪ કેસો સાથે સુરત ટોપ પર છે. જ્યારે રાજ્યમાં વધુ ૨૩ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેટી છે તો બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં સારો એવો વધારો જોવા મળતાં આજે વધુ ૮૩૩ દર્દીઓ સાજા થવામાં સફળ રહેલ છે. જેને પગલે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર વધીને ૭૩.૦૯ ટકા થવા પામ્યો છે.
ભારતમાં કોરોનાના કેસ આજે ૧૬ લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ ૬૧ હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં વિશેષ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૩ કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૧૫૩ કેસ નોંધાતા કુલ આંકડો ૬૧,૪૩૫ પર પહોંચ્યો છે. આજે ૮૩૩ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૪૪,૯૦૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ એક ચિંતાજનક બાબત એવી પણ છે કે, રાજ્યમાં સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. વડોદરામાં ગત ૨૪ કલાકમાં ૯૪ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાએ છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ દર્દીઓનો ભોગ લીધો છે જેને લઈને અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૪૪૧ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૫૯૯ દર્દીઓનાં મોત થયા છે. આજના મોતમાં સૌથી વધુ સુરતમાં ૧૧નાં મોત થયા છે જ્યારે અમદાવાદમાં-૪, રાજકોટ-ર, વડોદરા-૩, જૂનાગઢ-ખેડા-મહેસાણામાં ૧-૧ દર્દીનું મૃત્યુ નિપજેલ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઈ રહ્યા છે. આજે સુરતમાં ૨૮૪ નવા કોરોનાના કેસ નોંધાયા છે જેમાં સુરત કોર્પોરેશનમાં ૨૧૯ અને સુરત જિલ્લામાં ૬૫ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૧૩,૦૬૯ પર પહોંચ્યો છે. સુરતમાં આજે ૧૮૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. આજે સુરતમાં ૧૧ દર્દીઓનાં મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ ૪૧૪ દર્દીનાં મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૭૬ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૪૦ અને અમદાવાદ જિલ્લામાં ૩૬ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો ૨૬,૫૧૭ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૧૧૨ દર્દીઓ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં આજે ૪ દર્દીઓનાં મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧૧,૫૯૯ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોની વાત કરીએ તો, સુરત કોર્પોરેશન ૨૧૯, અમદાવાદ કોર્પોરેશન ૧૪૦, વડોદરા કોર્પોરેશન ૮૦, સુરત ૬૫, રાજકોટ કોર્પોરેશન ૪૮, મહેસાણા ૪૦, અમદાવાદ ૩૬, સુરેન્દ્રનગર ૩૬, જામનગર કોર્પોરેશન ૩૩, રાજકોટ ૩૧, મોરબી ૨૯, અમરેલી ૨૬, વલસાડ ૨૬, ગાંધીનગર ૨૫, ભાવનગર કોર્પોરેશન ૨૪, ભાવનગર ૨૩, ભરૂચ ૨૧, પંચમહાલ ૨૧, કચ્છ ૨૦, ગીર સોમનાથ ૧૬, નવસારી ૧૬, ગાંધીનગર કોર્પોરેશન ૧૫, બનાસકાંઠા ૧૪ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૪ કેસ નોંધાવવા પામેલ છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૪,૦૯૦ પર પહોંચી છે, જેમાંથી ૮૧ દર્દીઓની હાલત ગંભીર છે અને ૧૪,૦૦૯ દર્દીઓની હાલત તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવેલ છે. ર૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ર૬,૭૦૪ કોરોના ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૭.૬૪ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે.