અમદાવાદ, તા.૧
કોરોના મહામારી સામેની લડાઈમાં દરેક નાગરિકોને માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર સાબુથી હાથ ધોવા આ ત્રણ સંકલ્પ લેવાની અપીલ કરી રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટેનું શસ્ત્ર એટલે સાવચેતી. આપણે સૌ એક થઈને કોરોના સામે લડી રહ્યા છીએ જેમાં અન્ય સફળ બની કોરોનાના સંક્રમણને હરાવીશું. વધુમાં ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, ગુજરાતને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે અમલી લોકડાઉનના ચુસ્ત પાલન કરાવવાની સાથે રાજ્યની સલામતી, સુરક્ષા અને વિકાસ માટે પોલીસ કટિબદ્ધ છે. ઉનાળાના આકરા તાપમાં પણ કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓ ચેકપોસ્ટ અને કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. લોકડાઉનના કડક અમલ માટે પોલીસ દળની સાથે જીઆરડી, હોમગાર્ડસ જવાનો, એનસીસી કેડેટ્‌સ, એનએસએસના સ્વયં સેવકો તથા આરટીઓ અને વનવિભાગના અધિકારી-કર્મચારીઓ ખંતભેર ફરજ બજાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરી કોરોના સંક્રમણથી લોકોને બચાવવાના આ પ્રયાસોને સફળ બનાવવા નાગરિકોનો સહયોગ જરૂરી છે. કોરોના સંક્રમણને અટકાવવામાં ફરજ પાલન દરમિયાન જે પોલીસ કર્મીઓ સંક્રમિત થયા હતા તેમાંથી કેટલાક જવાનો જરૂરી તબીબી સારવારથી કોરોનાને હરાવી સ્વસ્થ બનીને તાત્કાલિક પુનઃ ફરજ ઉપર હાજર થઈ પોતાના ફરજ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. ડીજીપીએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોય તેવા બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૮ર ગુના દાખલ કરાયા છે. લોકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વાયરસ ઉપર થતાં હુમલાઓને રાજ્ય સરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્ત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે એમ જણાવી ડીજીપી ઝાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે તા.ર૮ માર્ચના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મોરબી જિલ્લાના હળવદ ખાતે તા.૧૯ એપ્રિલના રોજ પોલીસ ફરજમાં અવરોધ ઊભો કરી પોલીસ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા મામલે ર૦ ગુના નોંધી ૪૬ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડ્રોન સર્વેલન્સથી ૧૦,૩૯૧ ગુના નોંધી ર૦,૦૦૦થી વધુ લોકોની અટકાયત

અમદાવાદ, તા.૧
રાજ્યના ડીજીપીએ વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૯૩ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૩૯૧ ગુના દાખલ કરીને ૨૦,૦૪૨ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૧૪ ગુના નોંધીને ૧૪૭ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨,૧૧૯ ગુના નોંધી ૩,૧૬૩ લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે ૩૪ ગુનામાં ૪૦ લોકોની જ્યારે આજસુધીમાં ૪૩૪ ગુનાઓ દાખલ કરીને ૬૯૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. મામલે આ જ રીતે, સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા મામલે ગઇકાલે ૨૫ અને અત્યારસુધીમાં કુલ ૫૮૫ ગુના દાખલ કરીને ૧,૨૨૯ આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે ૨૩ એકાઉન્ટ સહિત અત્યારસુધીમાં કુલ ૫૩૩ એકાઉન્ટ બંધ કરાયા છે. વીડિયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે ૨૩૬ જ્યારે કુલ ૧,૬૮૬ અને ૭૪ જ્યારે કુલ ૮૩૦ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે ૫૨ તેમજ કુલ ૫૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.